Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Navsari : નવરાત્રીનો રંગ બરાબર જામ્યો, ખેલૈયાઓ મન મૂકીને ઘૂમી રહ્યા છે ગરબા

નવસારી શહેરમાં હાલ નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે. માતાજીની આરાધના બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ, આ બધા વચ્ચે નવસારીના બૃહદ અનાવિલ સમાજ દ્વારા આયોજિત ‘શિવાંજલિ ગરબા મહોત્સવ’ અનોખું આકર્ષણ જમાવી રહ્યો છે.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 04:34 PM IST
1 / 5
Gallery Image 1

નવદેવીઓના નવ રંગો, સંસ્કૃતિ અને પરંપરાના ઉત્તમ સમન્વય સાથે આયોજિત આ મહોત્સવની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં કોઈ મોટો કે સેલિબ્રિટી કલાકાર નથી, પરંતુ સ્થાનિક 50 કલાકારોને એકઠાં કરી ઘડાયેલું 'ભક્તિવન વૃંદ' મેગા નવરાત્રી જેવા સૂર રેલાવી રહ્યું છે.

2 / 5
Gallery Image 2

નવસારીના બૃહદ અનાવિલ સમાજ દ્વારા નવરાત્રીના પાવન પર્વે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાયો છે. આ મહોત્સવમાં માતાજીના નવ સ્વરૂપો અને નવરાત્રીના નવ રંગો આધારિત દરરોજ વિશેષ સુશોભન કરવામાં આવે છે. જે દિવસે માતાજીના જે રંગની આરાધના હોય, તે જ રંગથી આખું મેદાન અને મંચ સજાવવામાં આવે છે. પરંતુ આ ગરબા મહોત્સવની સૌથી અનોખી અને સરાહનીય બાબત એ છે કે, અહીં કોઈ મેગા સિટીના મોંઘા કલાકારોને બદલે સ્થાનિક પ્રતિભાને મંચ આપવામાં આવ્યું છે. નાના ઓરકેસ્ટ્રા, ભજન મંડળી, સંગીતના વર્ગોમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ અને સંગીત શિક્ષકોને એકત્રિત કરીને 'ભક્તિવન વૃંદ' તૈયાર કરવામાં આવ્યું છે.

3 / 5
Gallery Image 3

આ ભક્તિવન વૃંદને તૈયાર કરવા પાછળ પૂરા છ મહિનાની સખત મહેનત લાગી છે. અનાવિલ સમાજના શ્રેષ્ઠી જીગ્નેશ દેસાઈના એક વિઝન અને માર્ગદર્શન હેઠળ, સુફી સંગીતના જાણીતા ગાયક ભાવિન શાસ્ત્રીની નિશ્રામાં નવસારીના જ સ્થાનિક 50 કલાકારોને સખત તાલીમ આપી તૈયાર કરાયા છે. પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ તેમજ ભક્તિગીતોના અદ્ભુત સમન્વય સાથે આ કલાકારો ખેલૈયાઓને મન મૂકીને ઝૂમાવી રહ્યા છે.

4 / 5
Gallery Image 4

વિશેષ વાત એ પણ છે કે, બૃહદ અનાવિલ સમાજ દ્વારા આ ગરબા મહોત્સવથી થતી તમામ આવકનો ઉપયોગ માત્ર પોતાના સમાજ પૂરતો સીમિત ન રાખતા, તમામ જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં વાપરવામાં આવે છે.

5 / 5
Gallery Image 5

માતાજીની ભક્તિ, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન અને મેળવેલી આવકમાંથી માનવસેવા... અનાવિલ સમાજનો આ પ્રયાસ માત્ર ગરબા સુધી સીમિત નથી, પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 'શિવાંજલિ ગરબા મહોત્સવ' એ સાબિત કર્યું છે કે જો દાનત સાચી હોય અને ભાવના પવિત્ર હોય, તો સ્થાનિક કલાકારો પણ કોઈ મોટા મેગા સિટીના મહોત્સવને ઝાંખો પાડી શકે છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.