ગુજરાત ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો


ગુજરાત પોલીસે પોતાની પરંપરાને જાળવી રાખતા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. રાજ્યના પૂર્વ પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલ અંતર્ગત પોતાના કર્મયોગથી ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસની પાયાની ઈંટો મૂકી છે અને ખાખી વર્દીની ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજ્જ્વળ બનાવી છે, તેવા નિવૃત્ત DGP અને ADGP રેન્કના અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.

જે પોલીસ અધિકારીઓએ પોતાનુ સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસ સેવામાં સમર્પિત કરી ગુજરાત પોલીસનો સુવર્ણ ઇતિહાસ ઘડ્યો છે તેમજ અનેક નવીન પરિવર્તનો લાવીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા નિવૃત્ત ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના પોલીસ અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીઓનું આજે આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા 30 થી વધુ અધિકારીઓ અને તેમના પરિવારો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, વરિષ્ઠ માર્ગદર્શકોને વંદન અને તેમના સન્માનના ઉદ્દેશ્ય સાથે આ અનોખા કાર્યક્રમની શરૂઆત વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ પોલીસ અધિકારીની સમગ્ર કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો ગાળો પાયારૂપ હોય છે; તે સમયે મેન્ટર્સ પાસેથી મળેલી શીખ અને સંસ્કારો જ અધિકારીની આગળની તમામ સફળતાનું ચાલકબળ બને છે.

પોલીસ વ્યવસ્થા કાયદા-કાનૂન કે પ્રક્રિયાઓની સાથે સાથે વરિષ્ઠ અધિકારીઓના અનુભવો, પરંપરા અને શિસ્ત દ્વારા ચાલે છે. સાથે જ તેમણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ વિવિધ કટોકટી, કાયદો-વ્યવસ્થા કે બંદોબસ્ત દરમિયાન જે નિર્ણયો લીધા અને શીખ આપી, તે અનુભવો આજે પણ નવી પેઢીના અધિકારીઓ સાથે શેર કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાત પોલીસ હંમેશાં પોતાના મેન્ટોર્સની ઋણી રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે, પોલીસના સર્વિસ રેકોર્ડમાં પોસ્ટિંગ અને પ્રમોશન જેવી બાબતો નોંધાય છે, પરંતુ તેઓ રાત્રે મોડા ઘરે પહોંચે છે, બાળકો જાગે તે પહેલાં ફરી ફરજ પર પહોંચી જાય છે, તહેવારોમાં રસ્તા પર ઊભા રહીને પ્રજાની સુરક્ષા કરે છે કે સામાજિક પ્રસંગો છોડવા પડે છે, આ ત્યાગ અને સંઘર્ષ ક્યારેય રેકોર્ડમાં નથી લખાતો. ત્યારે પોલીસ અધિકારીઓની સતત થતી બદલીઓ અને પડકારો વચ્ચે તેમના પરિવારજનો અને પત્નીએ જે સાથ આપ્યો, ઘર સંભાળ્યું અને ત્યાગ કર્યો, તેની તેમણે ખાસ પ્રશંસા કરી હતી.

નિવૃત્ત ડીજીપી પી. સી. પાંડે, એસ.એસ.ખાંડવાવાલા, સતિષ શર્મા, મીરા રામનિવાસ, નિવૃત્ત એડીજીપી આર. પી. પ્રિયદર્શી, વિજયસિંહ ગુમાન, જે. એસ. બિન્દ્રા સહિતના નિવૃત્ત અધિકારીઓએ આ પ્રકારના વિશેષ કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી અને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ પ્રકારનું આયોજન કદાચ એકમાત્ર ગુજરાત રાજ્યમાં થતું હશે અને તે ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમમાં નિવૃત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પી. સી.પાન્ડે, એસ.એસ. ખંડાવાલા, પ્રમોદ કુમાર, આશિષ ભાટિયા, શિવાનંદ ઝા અને વિકાસ સહાય સહિત અનેક નિવૃત્ત પોલીસ અધિકારીઓ ઉપરાંત વર્તમાનમાં ફરજરત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





