HPV Vaccination Gujarat: HPV રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ, અત્યાર સુધી 7.75 લાખથી વધુ કિશોરીઓને અપાયું સુરક્ષાકવચ


રાજ્યમાં અત્યાર સુધી 7.75 લાખથી વધુ કિશોરીઓને HPV રસી આપીને સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ સિદ્ધિ અંગે આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને ગુજરાત સરકારે HPV રસીકરણ અભિયાનને મહાયજ્ઞની જેમ આગળ વધાર્યું છે. આ અભિયાનથી કિશોરીઓને સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે રક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનને 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ HPV રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતની કામગીરીની નોંધ લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ગુજરાતે મે મહિનામાં જ રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન હેઠળ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ 2.72 લાખ રસીના ડોઝ ફાળવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા 'સેવા પર્વ' દરમિયાન 17થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ રસીકરણ અભિયાન યોજાયું હતું. આ અભિયાનના પ્રથમ દિવસે જ 71,000થી વધુ કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 10 દિવસ દરમિયાન કુલ 1.47 લાખથી વધુ કિશોરીઓને HPV રસી આપવામાં આવી હતી.

આ સફળતા બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તબીબો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓની મહેનત અને સમર્પણના કારણે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ હાંસલ કરી છે.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.




