પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની 60મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, 24થી વધુ દેશોના 214 શહેરોમાંથી હજારો ગુરુપ્રેમીઓ અને મહાનુભાવો જોડાયા

25 અને 26 સપ્ટેમ્બરે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 24થી વધુ દેશોના 214 શહેરોમાંથી હજારો ગુરુપ્રેમીઓ અને મહાનુભાવો જોડાયા હતા.

આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પૂજ્ય ગુરૂદેવશ્રીના જીવનના આધ્યાત્મિક અને સેવાકીય આયામોને પ્રતિબિંબિત કરતાં કુલ 60 નવા કલ્યાણકારી પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી. તેમાં 30 આધ્યાત્મિક અને 30 સેવાલક્ષી પહેલોનો સમાવેશ થાય છે.

સેવાકીય પ્રકલ્પોમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ કેન્સર હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ, મેન્ટલ હેલ્થ ઇનિશિયેટિવ તથા 60 નવા લવ એન્ડ કેર સેન્ટર્સનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં 6 કરોડ લોકો સુધી પહોંચવાના લક્ષ્ય સાથે મલ્ટિ-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ્સ, એનિમિયા અને વિઝન કેર કેમ્પ્સનું પણ આયોજન કરવામાં આવશે.

ધરમપુરમાં એનિમલ હોસ્પિટલ, એનિમલ શેલ્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેટરિનરી સાયન્સ અને અહિંસા અવેરનેસ સેન્ટર સહિત પ્રાણી સેવા માટેના પ્રકલ્પો હાથ ધરાશે. શિક્ષણ અને યુવા સશક્તિકરણ ક્ષેત્રે AI આધારિત કારકિર્દી માર્ગદર્શન પ્લેટફોર્મ, વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સ્કૂલ અને ગ્રામ્ય ભારત માટે યુનિવર્સિટીની પરિકલ્પના કરવામાં આવી છે.

આ ઉપરાંત આધ્યાત્મિક કેન્દ્રો, વેલનેસ સેન્ટર, Solitude Groves અને શ્રીમદ્ રાજચંદ્ર મ્યુઝિયમ જેવી સુવિધાઓનું અનાવરણ કરવામાં આવ્યું. 60 ભાષાઓમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ તથા ગુરૂદેવશ્રીના જીવન પર આધારિત ‘BEYOND’નું પણ અનાવરણ થયું.

26 સપ્ટેમ્બરે 11 યુવાઓએ દીક્ષા ગ્રહણ કરી, જ્યારે 600થી વધુ યુવા ભક્તોએ ‘Aho Gurudev’ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી. અનેક સંતો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિએ આ ઉજવણીને વિશેષ બનાવી. મુંબઈથી શરૂ થયેલી આ ઉજવણી હવે ભારત અને વિદેશના વિવિધ શહેરોમાં આગળ વધશે.





