Gir Somnath: વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતોને ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવવાનો વારો


ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને પિયતના પાણીની અછત સર્જાતા મગફળીનો પાક પીળો પડી સુકાઈ રહ્યો છે. ખેતરોમાં પાકની સ્થિતિ જોઈ ખેડૂતોની ચિંતા વધી છે.

ઉના તાલુકાના સોખડા ગામની જમીનમાં વાવેલા મગફળીના પાકને પૂરતું પાણી ન મળતા પાક નિષ્ફળ જતાં ખેડૂતે ભારે હૈયે ઉભા પાકમાં ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવવાની ફરજ પડી હતી.

જ્યાં થોડો ઘણો પાક બચ્યો છે ત્યાં ખેડૂતો મજૂરો રાખીને મગફળી કાઢવા મજબૂર બન્યા છે. પરંતુ મજૂરી સહિતનો વધારાનો ખર્ચ ખેડૂતો પર આર્થિક બોજ વધારી રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ કુવામાં બચેલું પાણી હોવા છતાં વીજળીની અનિયમિતતાને કારણે પાકને પૂરતું પિયત આપી શકાતું નથી. વરસાદની અછત વચ્ચે આ સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

મગફળીના પાકમાં થયેલા નુકસાનને પગલે ખેડૂતો સરકાર પાસે ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય અને પાક વળતર આપવાની માંગ કરી રહ્યા છે.




