Dahod : ભાડભા ખાતે DyCM હર્ષ સંઘવીનો આદિવાસી યુવાનો સાથે સંવાદ, પુછ્યું તમારામાંથી AI કોણ યુઝ કરે છે?

કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગામડે-ગામડે જઈને સ્વચ્છતા અને સામાજિક સેવાના કાર્યો માટે 22 દિવસ સુધી હજારો કિલોમીટર બાઈક ચલાવીને નીકળેલા યુવાનોનો ઉત્સાહ પ્રેરણાદાયી છે. તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો કે આ યાત્રામાં 50 ટકાથી વધુ યુવાનો બિન-રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા છતાં દેશ સેવાના સંકલ્પ સાથે જોડાયા છે.

વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી તરીકેના દેશ સેવામાં 25 વર્ષ પૂરા થયા છે ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ આ સમયગાળા દરમિયાન પોતાના અંગત કામ માટે એક પણ રજા લીધા વિના સતત કામ કર્યું છે, જે એક વિશ્વ વિક્રમ સમાન છે. તેમણે આજના યુવાનોને પ્રધાનમંત્રીની ઊર્જા અને સમર્પણ ભાવમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું.

AI ટેકનોલોજી દ્વારા યુવાનોએ જાતે જ દેશના વિકાસના આંકડા જાણ્યા છે. હર્ષ સંઘવીએ ઉપસ્થિત આદિવાસી યુવાનો સાથે નવતર પ્રયોગ કરતાં તેમને પોતાના મોબાઈલમાં AI ટૂલ્સનો ઉપયોગ કરીને વર્ષ 2014 પહેલાં અને વર્તમાન સમયના દેશના વિકાસના આંકડા ચકાસવા જણાવ્યું હતું.

યુવાનોએ AI દ્વારા શોધીને પોતાની બેઠક પરથી વિગતો આપી હતી કે વર્ષ 2014 પહેલાં દેશમાં મેડિકલ કોલેજો માત્ર 387 હતી, જે વધીને 780 થઈ ગઈ છે. AIમાં રાજ્યસભાના આંકડા ટાંકીને આવેલી માહિતી જણાવતા યુવાઓએ કહ્યું કે MBBSની બેઠકો 51, 348થી વધીને 1,15,900 થઈ છે તથા PG બેઠકો 31,885થી વધીને 74,306 પર પહોંચી છે.

એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણની બેઠકો બમણી થવાને કારણે આદિવાસી વિસ્તારોના સામાન્ય પરિવારના દીકરા-દીકરીઓ પણ આજે ડોક્ટર અને એન્જિનિયર બનવાનું સપનું પૂરું કરી રહ્યા છે.





