અમદાવાદના બોપલમાં આવેલી આંગણવાડીમાં CM ભૂપેન્દ્ર પટેલે બાળકો પર વરસાવ્યો વહાલ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના ગૌરવવંતા 25 વર્ષ નિમિત્તે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ સ્થિત આંગણવાડી ખાતે 'આંગણ મિલન સેવા' ઉત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ આંગણવાડી 6 ખાતે ભૂલકાંઓને ફળ અને સુખડીનું વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત સગર્ભા બહેનો, કિશોરી અને 6 માસથી 3 વર્ષના બાળકોને THRનું પણ વિતરણ પણ કર્યુ હતું. અને આંગણવાડીના જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો થયો હોય અને જળવાયું હોય તેવાં બાળકોને પોષણ ચેમ્પિયન એવોર્ડ પણ એનાયત કર્યા હતા.

આ તકે મુખ્યમંત્રીના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર બહેન અને આશાવર્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ બાળકો અને વાલીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો અને આંગણવાડીની સેવાઓની નિયમિતતા તથા ગુણવત્તા અંગેની જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીએ આંગણવાડીના બાળકોને રમકડાં વિતરણ કરીને વડીલ વાત્સલ્ય વહાલ વરસાવ્યું હતું. બોપલ આંગણવાડી-6નું નિરીક્ષણ કરીને તેમણે બાળકો માટેની સુવિધાઓ અને બાળકો માટે થતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે શહેરના મેયર હિતેશભાઈ બારોટ, કલેક્ટર ભવ્ય વર્મા, ડેપ્યૂટી મેયર અંજુબહેન શાહ, સ્ટે.કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ તથા મહિલા-બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, અમ્યુકોના પદાધિકારીઓ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ દ્વારા બાળ પોષણ, માતા-બાળ આરોગ્ય અને આંગણવાડી સેવાઓના મહત્વને વધુ ઉજાગર કરવામાં આવ્યું હતું.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




