Ahmedabad પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન, પ્રજાની સુરક્ષા અને શહેરની શાંતિ માટે માતાજીના આશીર્વાદ માગ્યા

આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ પરિવાર તરફથી શહેરના નાગરિકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રજાની સુરક્ષા, શહેરમાં શાંતિ અને રાજ્યની સલામતી જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે પોલીસ દ્વારા શસ્ત્રો સહિત સુરક્ષામાં ઉપયોગમાં લેવાતાં વિવિધ સાધનોનું પૂજન કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પ્રજાની સુરક્ષા અને શહેર તથા રાજ્યની સલામતી માટે પોલીસ જે શસ્ત્રોનો ઉપયોગ કરે છે, તેનું વિધિવત પૂજન કરવામાં આવ્યું છે. માતાજી પાસે એવા આશીર્વાદ માગવામાં આવ્યા છે કે પોલીસ હંમેશાં પ્રજાનું રક્ષણ કરી શકે અને શહેરના નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં જીવન વિતાવી શકે. શહેરમાં સુખ, શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

આ શસ્ત્રપૂજન દરમિયાન આધુનિક હથિયારો, બોડી પ્રોટેક્ટર, પોલીસનાં વાહનો, અસ્ત્ર-શસ્ત્રો અને શ્વાન દળનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતાં આ તમામ સાધનો પ્રજાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે પોલીસને જે જવાબદારી સોંપી છે, તેને નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી રહી છે. સમાજમાં રહેલા દૂષણો સામે પણ પોલીસ સતત કામગીરી કરી રહી છે. તેમણે ડ્રગ્સના દૂષણને રાવણ સાથે સરખાવતાં જણાવ્યું કે, આ દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આ ઉપરાંત, સાયબર ગુનાઓ સામે લડવા અને સાયબર ગુનેગારોને કાબૂમાં લેવા માટે પણ પોલીસ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. આમ, દશેરાના પર્વે અમદાવાદ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન સાથે પ્રજાની સુરક્ષા, ગુનાખોરી સામેની લડાઈ અને શહેરમાં સુખ-શાંતિ જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.





