Get News Alerts

Never miss breaking news updates.

PSGની ચેમ્પિયન્સ લીગ જીતની ઉજવણીમાં હિંસા, ફ્રાન્સમાં 780થી વધુ લોકોની અટકાયત

Paris Crisis: ફ્રાન્સમાં યોજાયેલી યુઈએફએ ચેમ્પિયન્સ લીગમાં પેરિસ સેન્ટ જર્મન (PSG)ની જીત બાદ ઉજવણીનો માહોલ થોડા જ સમયમાં હિંસામાં ફેરવાઈ ગયો હતો. ફ્રેન્ચ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસે કાર્યવાહી કરીને માત્ર પેરિસ શહેરમાંથી જ 280થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા હતા. જ્યારે ફ્રાન્સના ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં 780થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 31 May 2026 10:22 PM IST
PSGની ચેમ્પિયન્સ લીગ જીતની ઉજવણીમાં હિંસા, ફ્રાન્સમાં 780થી વધુ લોકોની અટકાયતPSGની ચેમ્પિયન્સ લીગ જીતની ઉજવણીમાં હિંસા, ફ્રાન્સમાં 780થી વધુ લોકોની અટકાયત

Paris Crisis: ફ્રાન્સમાં યોજાયેલી યુઈએફએ ચેમ્પિયન્સ લીગમાં પેરિસ સેન્ટ જર્મન (PSG)ની જીત બાદ ઉજવણીનો માહોલ થોડા જ સમયમાં હિંસામાં ફેરવાઈ ગયો હતો. ફ્રેન્ચ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસે કાર્યવાહી કરીને માત્ર પેરિસ શહેરમાંથી જ 280થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા હતા. જ્યારે ફ્રાન્સના ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં 780થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

અમેરિકન મીડિયા NBC ન્યૂઝના અહેવાલ અનુસાર, ફ્રાન્સના ગૃહમંત્રી લોરાં નુનેઝે જણાવ્યું કે, હિંસક ઘટનાઓમાં 57 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. જો કે, મોટાભાગને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કેટલાક ફૂટબોલ ચાહકોએ દુકાનોમાં આગચંપી કરી હતી અને તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં, કેટલાક લોકોએ પેરિસના એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

રવિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ મોટા ભાગે નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, રાજધાની પેરિસમાં મોટાભાગની ઉજવણીઓ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ ચેમ્પ્સ એલિસીઝ વિસ્તાર અને પશ્ચિમ પેરિસમાં આવેલા પાર્ક ડેસ પ્રિન્સિસ સ્ટેડિયમ નજીક હિંસક બનાવો નોંધાયા હતા. અહીં મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા માટે એકત્રિત થયા હતા.

નુનેઝે વધુમાં જણાવ્યું કે, પોલીસે પેરિસની આસપાસના મુખ્ય રિંગ રોડ પર ટ્રાફિક જામ સર્જવાના પ્રયાસોને અટકાવવા માટે શનિવારે રાત્રે પાંચ વખત હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

ગૃહમંત્રીના જણાવ્યા મુજબ, ફ્રાન્સના લગભગ 15 શહેરોમાં હિંસક ઘટનાઓ બની હતી. કુલ 780 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 480 લોકો માત્ર પેરિસ વિસ્તારમાંથી હતા. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું કે, 277 લોકોને સત્તાવાર રીતે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, જેમાં 82 સગીરોનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના લોકો સામે પોલીસ પર હુમલો કરવાનો આરોપ છે. જ્યારે અન્ય આરોપોમાં ચોરી, તોડફોડ અને જાહેર વ્યવસ્થા ભંગ કરવાનો સમાવેશ થાય છે.

આ દરમિયાન એક ગંભીર અકસ્માત પણ સર્જાયો હતો. એક કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર એક રેસ્ટોરન્ટના ટેરેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

રવિવારે બપોરે એફિલ ટાવર નજીક આવેલા ચેમ્પ ડી માર્સ વિસ્તારમાં PSGની જીતની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંસાની ઘટનાઓ બાદ કાર્યક્રમ યોજાશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત થઈ રહી હતી, પરંતુ ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આયોજન મુજબ કાર્યક્રમ યોજાશે. તેમણે ચેતવણી આપી હતી કે, જો કોઈ હિંસા કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

ઉજવણી સમારોહ બાદ PSG ટીમનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન એલિસી પ્રેસિડેન્શિયલ પેલેસ ખાતે સ્વાગત કરશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફ્રાન્સ સરકારે રાજધાનીમાં 22,000 પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે PSGએ ઇન્ટર મિલાનને હરાવી પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. તે સમયે થયેલી ઉજવણી દરમિયાન બે લોકોના મોત થયા હતા અને આશરે 200 લોકો ઘાયલ થયા હતા.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.