નિતીશ રેડ્ડી ઈજાગ્રસ્ત, આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ T20 સિરીઝમાંથી બહાર



નિતીશ રેડ્ડી ઈજાગ્રસ્ત, આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ T20 સિરીઝમાંથી બહાર



મુંબઈ: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ફટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર નિતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે બંને સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ પસંદગી સમિતિએ યુવા ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપ્યું છે. સૂર્યાંશને પ્રથમ વખત ભારતીય સિનિયર ટીમમાં તક મળી છે.
BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નિતીશ રેડ્ડીને તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ દરમિયાન ડાબા પગના ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી. 20 જૂને રમાયેલી ત્રીજી વન-ડે બાદ તેમણે દુખાવાની ફરિયાદ કરી હતી. તબીબી તપાસ બાદ BCCIની મેડિકલ ટીમે તેમને રિહેબિલિટેશનની સલાહ આપી છે.
નિતીશ રેડ્ડીના બહાર થવાથી ટીમ ઇન્ડિયાની ઓલરાઉન્ડ વિભાગની મુશ્કેલીઓ વધી છે. પહેલાથી જ ઈજાના કારણે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝનો ભાગ નથી.
સૂર્યાંશ શેડગેને શાનદાર પ્રદર્શનનો ઇનામ
23 વર્ષીય સૂર્યાંશ શેડગેને તાજેતરમાં શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય શ્રેણીમાં ઈન્ડિયા-એ માટેના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તક મળી છે. મધ્યક્રમમાં બેટિંગ કરતા તેમણે પાંચ મેચમાં 147 રન બનાવ્યા હતા અને સાથે 2 વિકેટ પણ ઝડપી હતી.
સૂર્યાંશે 2024-25ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ મુંબઈ માટે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. નીચલા ક્રમે બેટિંગ કરતા તેમણે 251.92ના સ્ટ્રાઈક રેટથી 131 રન ફટકાર્યા હતા.




