
રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 4 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.