આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં આવેલ ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફટાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગના કારણો અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.