Kabaddi Championship 2026: 23 ઓક્ટોબરથી અમદાવાદમાં યોજાશે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ


Kabaddi Championship 2026
Kabaddi Championship 2026: 23 ઓક્ટોબરથી અમદાવાદમાં યોજાશે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ


Kabaddi Championship 2026
Commonwealth Kabaddi Championship 2026: અમદાવાદ 23 થી 31 ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની યજમાની કરવા માટે સજ્જ છે, 9 દિવસ માટે પુરુષો અને મહિલાઓની કબડ્ડી સ્પર્ધામાં 13 દેશ ભાગ લેશે.
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા (AKFI) દ્વારા આયોજિત અને ઈન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF) ની મંજૂરી સાથે, આ ચેમ્પિયનશિપમાં 23 ટીમ અને 400 થી વધુ ખેલાડીઓ 62 મેચમાં સ્પર્ધા કરશે, જેમાં 39 પુરુષોની અને 23 મહિલાઓની મેચોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં બંને કેટેગરીમાં પ્રથમ વખત કોમનવેલ્થ ચેમ્પિયન્સનો તાજ પહેરાવવામાં આવશે.
ભારતીય પુરુષ ટીમની કેપ્ટનશીપ સુરજીત સિંહ કરશે
બુધવારે યોજાયેલી કર્ટન-રેઝર પ્રેસ કોન્ફરન્સમાં ઔપચારિક રીતે ચેમ્પિયનશિપની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં સત્તાવાર જર્સી, ટીમના કેપ્ટન, એન્થમ, લોગો અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભારતીય પુરુષ ટીમની કેપ્ટનશીપ સુરજીત સિંહ કરશે, જ્યારે નવીન કુમાર વાઈસ-કેપ્ટન રહેશે. મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે અને રિતુ વાઈસ-કેપ્ટન તરીકે ફરજ બજાવશે.
આ દેશ લેશે ભાગ
ભાગ લેનારા દેશોમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઈજીરીયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. બંને કેટેગરીની સેમીફાઈનલ 30 ઓક્ટોબરે યોજાશે, ત્યારબાદ 31 ઓક્ટોબરે ફાઈનલ રમાશે.

ચેમ્પિયનશિપથી કબડ્ડીના ઈન્ટરનેશનલ વિકાસને નવો વેગ મળવાની અપેક્ષા
આ પ્રથમ ચેમ્પિયનશિપથી કબડ્ડીના ઈન્ટરનેશનલ વિકાસને નવો વેગ મળવાની અને કોમનવેલ્થ ગેમ્સમાં તેના સંભવિત સમાવેશ માટે આ રમતનો પક્ષ મજબૂત બનવાની અપેક્ષા છે. અમદાવાદ 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે આ ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટ્સનું આયોજન કરવાની શહેરની ક્ષમતા દર્શાવવાની અને વૈશ્વિક સ્તરે કબડ્ડીનો પરિચય કરાવવાની તક પણ પૂરી પાડે છે.
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પ્રાણ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ ચેમ્પિયનશિપની યજમાની કરવી એ ભારતીય કબડ્ડી માટે ગર્વની ક્ષણ છે. અમે ભાગ લેનારી ટીમોનું સ્વાગત કરવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર રમતની ભાવના, કૌશલ્ય અને સ્પર્ધાત્મકતા પ્રદર્શિત કરવા આતુર છીએ.”
આ થીમ હેઠળ યોજાશે કબડ્ડી ચેમ્પિયનશિપ
ઈન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના જનરલ સેક્રેટરી તેજસ્વી ગેહલોતે જણાવ્યું હતું કે, “આ પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ કબડ્ડીની આંતરરાષ્ટ્રીય હાજરીને વિસ્તારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. કોમનવેલ્થ દેશોની રાષ્ટ્રીય ટીમોને એકસાથે લાવવાથી ખેલાડીઓને તેમની ક્ષમતાઓ દર્શાવવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે અને વિશાળ વૈશ્વિક દર્શકોને આ રમતનો પરિચય થશે.” આ ચેમ્પિયનશિપ “One Breath. One Raid. One Commonwealth.” (વન બ્રેથ. વન રેડ. વન કોમનવેલ્થ.) થીમ હેઠળ યોજાશે.
ફેન્સ આ ચેમ્પિયનશિપનું લાઈવ ટેલિકાસ્ટ જીઓહોટસ્ટાર પર જોઈ શકશે, જ્યારે ટેલિવિઝન કવરેજ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. પ્રેક્ષકો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિનામૂલ્યે મેચ જોઈ શકશે, જેના માટે Thumpn દ્વારા અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે.
આ પણ વાંચો: IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, અમિત મિશ્રા બન્યો નવો સ્પિન બોલિંગ કોચ





