SBI Data Breach: SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેન્કે કરી પુષ્ટિ


SBI Data Breach
SBI Data Breach: SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેન્કે કરી પુષ્ટિ


SBI Data Breach
SBI Data Breach: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકોના ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે. બેન્કે ડાર્ક વેબ પર તેના 3,897 ગ્રાહકોની વ્યક્તિગત માહિતી મળી હોવાની પુષ્ટિ કરી છે. આ ઘટનાને પગલે બેન્કે સાયબર સુરક્ષા સંબંધિત તપાસ શરૂ કરી છે.
ડાર્ક વેબ પર કઈ માહિતી મળી?
SBIએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે તેને થ્રેટ ઈન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઈડર, ડિફેન્સ સાયબર એજન્સી અને CERT-In તરફથી સંભવિત ડેટા લીક અંગે ચેતવણીઓ મળી હતી. ડાર્ક વેબ પર ઉપલબ્ધ આશરે 3.75 લાખ રેકોર્ડના પ્રાથમિક વિશ્લેષણ દરમિયાન 3,897 ગ્રાહકોની વ્યક્તિગત ઓળખ સંબંધિત માહિતી મળી આવી હતી. લીક થયેલા ડેટામાં ગ્રાહકોનાં નામ, મોબાઈલ નંબર, જન્મતારીખ, ઈમેઈલ આઈડી, રહેણાક સરનામા, લિંગ, શાખાની વિગતો, CIF નંબર, લીડ આઈડી તેમજ લોન અને અન્ય દસ્તાવેજો સંબંધિત મેટાડેટાનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.
તપાસ માટે સ્વતંત્ર એજન્સીની નિમણૂક
બેન્કે ઘટનાની જાણ થતાં જ સાયબર ઈન્સિડન્ટ રિસ્પોન્સ પ્રક્રિયા સક્રિય કરી હતી. તપાસ અને સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવા CERT-In દ્વારા મંજૂર સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. ડેટાની સત્યતા, તેના મૂળ સ્ત્રોત અને લીકની સંપૂર્ણ હદ જાણવા તપાસ ચાલી રહી છે. SBIએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાની તેના મુખ્ય વ્યવસાય, નાણાકીય કામગીરી કે ગ્રાહકોને મળતી બેન્કિંગ સેવાઓ પર કોઈ નોંધપાત્ર અસર થઈ નથી. જોખમ ઘટાડવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.
હેકર ગ્રૂપના દાવાથી ચિંતા વધી
'Siriusim' નામના હેકર ગ્રૂપે SBI સાથે સંકળાયેલો ગોપનીય ડેટા મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા મુજબ, આશરે 3.75 લાખ ડેટા એન્ટ્રી અને 2,722 PDF દસ્તાવેજો હોવાની વાત કહેવામાં આવી હતી. જોકે, આ દાવાઓની સંપૂર્ણ સત્યતા તપાસ હેઠળ છે. આ ઘટના બાદ ગ્રાહકોએ અજાણ્યા ફોન, શંકાસ્પદ લિંક્સ અને OTP માગતા સંદેશાઓથી સાવચેત રહેવું જોઈએ. બેન્કની વિગતો કોઈની સાથે શેર ન કરવી અને શંકાસ્પદ વ્યવહાર જણાય તો તરત બેન્કનો સંપર્ક કરવો જરૂરી છે.
આ પણ વાંચો: IAF Air Show: વારાણસીના નમો ઘાટ પર ભારતીય વાયુસેનાનો ભવ્ય એર શો, પ્રથમવાર 6 ફાઈટર જેટ એકસાથે ઉડાન ભરશે





