Get News Alerts

Never miss breaking news updates.

IAF Air Show: વારાણસીના નમો ઘાટ પર ભારતીય વાયુસેનાનો ભવ્ય એર શો, પ્રથમવાર 6 ફાઈટર જેટ એકસાથે ઉડાન ભરશે

IAF Air Show: ભારતીય વાયુસેના દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત પવિત્ર નમો ઘાટ પર 'વિંગ્સ ઓવર ગંગેસ' નામનો ભવ્ય એરિયલ ડિસ્પ્લે યોજવામાં આવનાર છે.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 02:31 PM IST
IAF Air Show: વારાણસીના નમો ઘાટ પર ભારતીય વાયુસેનાનો ભવ્ય એર શો, પ્રથમવાર 6 ફાઈટર જેટ એકસાથે ઉડાન ભરશેIAF Air Show: વારાણસીના નમો ઘાટ પર ભારતીય વાયુસેનાનો ભવ્ય એર શો, પ્રથમવાર 6 ફાઈટર જેટ એકસાથે ઉડાન ભરશે

IAF Air Show

IAF Air Show: ભારતીય વાયુસેના દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત પવિત્ર નમો ઘાટ પર 'વિંગ્સ ઓવર ગંગેસ' નામનો ભવ્ય એરિયલ ડિસ્પ્લે યોજવામાં આવનાર છે. 22, 24 અને 25 ઑક્ટોબરના રોજ યોજાનારા આ કાર્યક્રમનું આયોજન ભારતીય વાયુસેનાના 94મા સ્થાપના વર્ષના અવસરે કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની શક્તિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતનો અનોખો સંગમ જોવા મળશે.

પ્રથમવાર છ ફાઈટર જેટનું વિશેષ પ્રદર્શન

આ એર શોની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રથમવાર 6 અગ્રણી લડાકુ વિમાનો સુખોઈ-30 એમકેઆઈ, રાફેલ, જગુઆર, મિરાજ-2000, તેજસ અને મિગ-29 એકસાથે એરો હેડ ફોર્મેશનમાં ઉડાન ભરશે. વાયુસેનાના 'પ્રચંડ' ડિસ્પ્લે અંતર્ગત આ વિમાનોનું વિશેષ પ્રદર્શન યોજાશે. કાર્યક્રમ માટે ફોર્મેશનની રિહર્સલ પણ શરૂ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસ દરમિયાન આશરે 100 વિમાનો આકાશમાં પોતાની ક્ષમતા દર્શાવશે. તેમાં 52 લડાકુ વિમાનો, 32 હેલિકોપ્ટર અને 15 પરિવહન વિમાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂર્યકિરણ એરોોબેટિક ટીમ અને સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ પણ પોતાના કરતબ રજૂ કરશે. સ્વદેશી તેજસ અને લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

સુરક્ષા અને વ્યવસ્થાની વિશેષ તૈયારીઓ

કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. પક્ષીઓ સાથે વિમાનોની ટક્કરનું જોખમ ઘટાડવા માટે માંસ અને માછલીના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એર શો દરમિયાન રાજઘાટ પુલ અને નૌકા સેવાઓ પણ બંધ રાખવામાં આવશે. કાર્યક્રમમાં 20થી 30 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 25 ઑક્ટોબરના મુખ્ય પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વારાણસી વડાપ્રધાનનું સંસદીય ક્ષેત્ર છે. ગંગાના કિનારે ગર્જના કરતાં લડાકુ વિમાનો અને આકાશમાં રંગબેરંગી ટ્રેલ્સ સર્જતી સૂર્યકિરણ ટીમનું પ્રદર્શન દર્શકો માટે યાદગાર બની રહેશે. આ કાર્યક્રમનો હેતુ દેશની હવાઈ શક્તિ દર્શાવવાની સાથે યુવાનોને વાયુસેના અને ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો પણ છે.

આ પણ વાંચો: Nashik Simhastha Kumbh: ધ્વજારોહણ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપશે CM દેવેન્દ્ર ફડણવીસ, 31 ઑક્ટોબરે ભવ્ય આયોજન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.