PM Narendra Modiનો 25 ઑક્ટોબરે વારાણસી અને ભુવનેશ્વર પ્રવાસ: ગાર્મેન્ટ યુનિટ, એરિયલ શો અને RBIના ડેટા સેન્ટરનું કરશે ઉદ્ઘાટન

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઑક્ટોબર, 2026ના રોજ ઉત્તર પ્રદેશ અને ઓડિશાના પ્રવાસે જશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 24 Oct 2026 02:53 PM IST
PM Narendra Modiનો 25 ઑક્ટોબરે વારાણસી અને ભુવનેશ્વર પ્રવાસ: ગાર્મેન્ટ યુનિટ, એરિયલ શો અને RBIના ડેટા સેન્ટરનું કરશે ઉદ્ઘાટનPM Narendra Modiનો 25 ઑક્ટોબરે વારાણસી અને ભુવનેશ્વર પ્રવાસ: ગાર્મેન્ટ યુનિટ, એરિયલ શો અને RBIના ડેટા સેન્ટરનું કરશે ઉદ્ઘાટન

PM Narendra Modi

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઑક્ટોબર, 2026ના રોજ ઉત્તર પ્રદેશ અને ઓડિશાના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ વારાણસીમાં નવી ગાર્મેન્ટ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરશે અને નમો ઘાટ પર ભારતીય વાયુસેનાનો ‘એર ફોર્સ ડે એરિયલ ડિસ્પ્લે-2026’ નિહાળશે. ત્યારબાદ તેઓ ભુવનેશ્વર પહોંચીને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ડેટા સેન્ટર અને સાયબર સુરક્ષા તાલીમ સંસ્થાનું ઉદ્ઘાટન કરશે.

વારાણસીમાં ગાર્મેન્ટ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન

નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન સવારે આશરે 11 વાગ્યે વારાણસીમાં અરવિંદ લિમિટેડની નવી ગાર્મેન્ટ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરશે. આ એકમથી ભારતના ટેક્સટાઇલ અને પરિધાન ઉત્પાદન ક્ષેત્રને મજબૂતી મળવાની અપેક્ષા છે. આધુનિક ઉત્પાદન પ્રક્રિયાઓ પર આધારિત આ પ્રોજેક્ટ ખાસ કરીને મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદરૂપ બનશે.

આ એકમ વૈશ્વિક ગ્રાહકો સુધી ભારતીય ઉત્પાદનો પહોંચાડવાની દિશામાં પણ મહત્વપૂર્ણ બની શકે છે. આ પહેલ ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક રોકાણ અને ઉત્પાદન આધારિત વિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો ભાગ છે.

‘વિંગ્સ ઓવર ગંગા’માં જોવા મળશે લડાકુ વિમાનોનો હવાઈ કરતબ

બપોરે આશરે 1 વાગ્યે વડાપ્રધાન વારાણસીના નમો ઘાટ પર ‘એર ફોર્સ ડે એરિયલ ડિસ્પ્લે-2026’ના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતીય વાયુસેનાની 94મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમની થીમ ‘વિંગ્સ ઓવર ગંગા’ રાખવામાં આવી છે.

આ હવાઈ પ્રદર્શનમાં તેજસ, પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, સુખોઈ-30MKI અને રાફેલ જેવા લડાકુ વિમાનો ઉપરાંત પરિવહન વિમાનો પણ ભાગ લેશે. ભારતીય નૌકાદળ અને ભૂમિસેનાનાં વિમાનો પણ તેમાં સામેલ થશે. વાયુસેનાની ‘સૂર્ય કિરણ’ એરોબેટિક ટીમ અને ‘સારંગ’ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ પણ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે.

ભુવનેશ્વરમાં RBIના ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન

વારાણસીના કાર્યક્રમ બાદ વડાપ્રધાન ઓડિશા જશે. સાંજે આશરે 4:45 વાગ્યે ભુવનેશ્વરમાં RBIના નવા ડેટા સેન્ટર અને સાયબર સુરક્ષા તાલીમ સંસ્થાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે.

નવું ડેટા સેન્ટર RBIની કમ્પ્યુટિંગ જરૂરિયાતો પૂરી કરવા અને બેંકિંગ તથા સમગ્ર નાણાકીય ક્ષેત્ર માટે સુરક્ષિત, મજબૂત અને વિસ્તરણક્ષમ ડિજિટલ માળખું પૂરું પાડવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ચાર અદ્યતન ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે, જે મહત્વપૂર્ણ ચુકવણી અને નાણાકીય સેટલમેન્ટ સિસ્ટમ સહિતની સેવાઓને ટેકો આપશે. આ સુવિધાને ‘અપટાઇમ ઇન્સ્ટિટ્યૂટ ટિયર IV’ પ્રમાણપત્ર મળ્યું હોવાનું પણ જણાવાયું છે.

સાયબર સુરક્ષા અને નવી ટેક્નોલોજી પર ધ્યાન

ભુવનેશ્વરમાં સ્થાપિત થનારી સાયબર સુરક્ષા તાલીમ સંસ્થા બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોને તાલીમ આપવા માટે સમર્પિત પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં સાયબર સુરક્ષા, એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વાન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઉભરતી ટેક્નોલોજીઓ પર તાલીમ અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ બંને પ્રોજેક્ટ ભારતની ડિજિટલ નાણાકીય વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : Plane Crash: ફિલિપાઈન્સમાં ભયાનક વિમાન દુર્ઘટના, હવામાં અથડાયાં વાયુસેનાનાં બે ટ્રેનર પ્લેન

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.