Liechtensteinના પ્રિન્સ ચાર દિવસના ભારત પ્રવાસે, 27 ઓક્ટોબરે PM મોદી સાથે કરશે મુલાકાત

Liechtenstein: લિક્ટેંસ્ટાઈનના પ્રિન્સ એલોઈસ ભારતની રાજકીય મુલાકાતે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી અને એસ. જયશંકર સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક કરશે.
Nancy ShuklaUpdated on: 25 Oct 2026 06:53 PM IST
Liechtensteinના પ્રિન્સ ચાર દિવસના ભારત પ્રવાસે, 27 ઓક્ટોબરે PM મોદી સાથે કરશે મુલાકાતLiechtensteinના પ્રિન્સ ચાર દિવસના ભારત પ્રવાસે, 27 ઓક્ટોબરે PM મોદી સાથે કરશે મુલાકાત

Liechtenstein

Liechtensteinના હેરિડિટરી પ્રિન્સ એલોઈસ અને હેરિડિટરી પ્રિન્સેસ સોફી 25થી 28 ઓક્ટોબર, 2026 દરમિયાન ભારતની રાજકીય મુલાકાતે આવી રહ્યાં છે. આ વર્ષે પ્રિન્સ એલોઈસની ભારતની આ બીજી મુલાકાત છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સહિતના વરિષ્ઠ ભારતીય નેતાઓ સાથે મુલાકાત કરશે.

27 ઓક્ટોબરે PM મોદી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક

પ્રિન્સ એલોઈસ રવિવારની રાત્રે મુંબઈ પહોંચશે. સોમવાર, 26 ઓક્ટોબરે તેઓ વડોદરા જશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે. સોમવારે સાંજે તેઓ દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર પહોંચશે.

મંગળવાર, 27 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમના સન્માનમાં ઔપચારિક સ્વાગત સમારોહ યોજાશે. ત્યારબાદ તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકરને મળશે અને રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

આ જ દિવસે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ મુલાકાત દરમિયાન ભારત અને લિક્ટેંસ્ટાઈન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તથા આર્થિક સહયોગ અંગે ચર્ચા થવાની અપેક્ષા છે.

નિર્મલા સીતારમણ સહિતના નેતાઓને મળશે

ભારત પ્રવાસ દરમિયાન પ્રિન્સ એલોઈસ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) જયંત ચૌધરી સાથે પણ મુલાકાત કરશે.

મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાતનો કાર્યક્રમ પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. પ્રિન્સ એલોઈસ અને પ્રિન્સેસ સોફી 28 ઓક્ટોબરે ભારતથી પોતાના દેશ પરત ફરશે.

ભારત-લિક્ટેંસ્ટાઈન સંબંધો માટે મહત્ત્વપૂર્ણ મુલાકાત

લિક્ટેંસ્ટાઈન યુરોપનો નાનો પરંતુ આર્થિક રીતે સમૃદ્ધ દેશ છે. તે સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયાની વચ્ચે આવેલો છે. આ દેશ ઔદ્યોગિક ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય સેવાઓ માટે જાણીતો છે.

ભારત સાથેના સંબંધોમાં આર્થિક સહયોગ, ઉદ્યોગ અને વેપાર જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થઈ શકે છે. બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરે થનારી આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રિન્સ એલોઈસ ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં યોજાયેલી એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ પહેલાં તેઓ 2010 અને 2018માં પણ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. હવે 27 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને બંને દેશો વચ્ચે સહયોગની કઈ નવી તકો ઊભી થાય છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Kenya Road Accident: કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 22 લોકોના મોત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.