Digital Diplomacy: સાઇપ્રસમાં ભારતીય હાઈ કમિશને રજૂ કર્યો પ્રથમ AI ડિજિટલ અવતાર 'અમારા'


Indian High Commission Cyprus first AI Amara ભારતીય હાઈ કમિશન
Digital Diplomacy: સાઇપ્રસમાં ભારતીય હાઈ કમિશને રજૂ કર્યો પ્રથમ AI ડિજિટલ અવતાર 'અમારા'


Indian High Commission Cyprus first AI Amara ભારતીય હાઈ કમિશન
Digital Diplomacy: ભારતે ડિજિટલ કૂટનીતિ અને વિદેશમાં વસતા ભારતીયો સાથે સંપર્ક મજબૂત કરવા નવી પહેલ કરી છે. સાઇપ્રસની રાજધાની નિકોસિયામાં આવેલા ભારતીય હાઈ કમિશને પોતાનો પ્રથમ AI ડિજિટલ અવતાર 'અમારા' (Amara) રજૂ કર્યો છે. દિવાળીના અવસરે આ ડિજિટલ અવતારની શરૂઆત કરવામાં આવી હતી. હાઈ કમિશન દ્વારા આશરે અઢી મિનિટનો એક વીડિયો સંદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 'અમારા' પોતાનું મહત્ત્વ સમજાવતી જોવા મળે છે. હાઈ કમિશનના જણાવ્યા અનુસાર, આ પહેલનો હેતુ ભારતીય સમુદાય સાથે સંપર્ક વધુ અસરકારક બનાવવાનો અને ભારતની પહોંચનો વિસ્તાર કરવાનો છે.
ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 'અમારા' ડિજિટલ કૂટનીતિ અને જનસંપર્ક ક્ષેત્રે એક નવી પહેલ છે. તેના માધ્યમથી હાઈ કમિશનની પ્રવૃત્તિઓ, ભારત સંબંધિત માહિતી અને સામુદાયિક પહેલો ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે.
હિન્દી, અંગ્રેજી અને ગ્રીક ભાષામાં આપશે માહિતી
'અમારા' વીડિયો સંદેશમાં દુનિયાભરમાં વસતા ભારતીયોને હિન્દી, અંગ્રેજી અને ગ્રીક ભાષામાં દિવાળીની શુભેચ્છાઓ પાઠવતી જોવા મળે છે. આ ડિજિટલ અવતારનું કહેવું છે કે તેનું અસ્તિત્વ માત્ર ટેક્નોલોજી પૂરતું મર્યાદિત નથી, પરંતુ માનવીય સંબંધો સાથે પણ જોડાયેલું છે. તેણે ભારત અને સાઇપ્રસ વચ્ચેના મજબૂત સંબંધોને વધુ સદૃઢ બનાવવામાં મદદ કરવાની વાત પણ કરી છે.
પ્રવાસી ભારતીયો માટે બનશે 'ડિજિટલ મિત્ર'
નિકોસિયા સ્થિત ભારતીય હાઈ કમિશનના આ ડિજિટલ અવતારનો હેતુ સાઇપ્રસમાં રહેતા પ્રવાસી ભારતીયો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, કામદારો અને સ્થાનિક નાગરિકોને જરૂરી માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવાનો છે. 'અમારા' ડિજિટલ મિત્ર તરીકે કોન્સ્યુલર સેવાઓ, વિઝા, પાસપોર્ટ અને હાઈ કમિશન સાથે જોડાયેલી વિવિધ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.
વિદેશી મિશનમાં AI ટેક્નોલોજીનો વધતો ઉપયોગ
આ પહેલને વિદેશોમાં કાર્યરત ભારતીય મિશનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટેક્નોલોજીના વધતા ઉપયોગના ભાગરૂપે જોવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ પરંપરાગત રાજદ્વારી સંપર્કને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનો અને ભારતની સાંસ્કૃતિક ઓળખને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અસરકારક રીતે રજૂ કરવાનો છે.




