QUAD Summit 2026 Manila: ક્વાડ બેઠકમાં ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, કહ્યું 'મોદી ખૂબ જ કડક સ્વભાવના વ્યક્તિ'


Donald Trump Praises PM Modi
QUAD Summit 2026 Manila: ક્વાડ બેઠકમાં ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, કહ્યું 'મોદી ખૂબ જ કડક સ્વભાવના વ્યક્તિ'


Donald Trump Praises PM Modi
QUAD Summit 2026 Manila: ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં યોજાયેલી QUAD નેતાઓની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. ટ્રમ્પે PM મોદીને ખૂબ જ કડક સ્વભાવના વ્યક્તિ ગણાવ્યા હતા. આ ઉપરાંત તેમણે ચીન સાથેના મતભેદો, ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે સંભવિત મુલાકાત અંગે પણ મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યાં હતાં.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ટ્રમ્પે કડક વલણ દર્શાવ્યું
QUAD નેતાઓ સાથે મંચ શેર કરતી વખતે ટ્રમ્પે PM મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે, તેઓ ખૂબ જ કડક વ્યક્તિ છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન ટ્રમ્પની આ ટિપ્પણી સામે આવી હતી. ચીન સાથેના મતભેદો અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ મતભેદોને ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવ્યા છે. તેમણે બંને દેશોના અલગ-અલગ અભિપ્રાયો હોવાની વાત પણ સ્વીકારી હતી.
બીજી તરફ, ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ટ્રમ્પે કડક વલણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લે છે અને ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવા જોઈએ નહીં. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે સંભવિત મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું કે કિમ તેમની સાથે મુલાકાત કરવા ઈચ્છશે, જોકે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.
ટ્રમ્પે રેર અર્થ મિનરલ્સના ઉત્પાદન અંગે પણ મોટો દાવો કર્યો
આ દરમિયાન ટ્રમ્પે રેર અર્થ મિનરલ્સના ઉત્પાદન અંગે પણ મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે અમેરિકા અગાઉ ક્યારેય ન થયું હોય તેવા મોટા પાયે દુર્લભ ખનિજોનું ઉત્પાદન કરી રહ્યું છે. આગામી 10 મહિનામાં અમેરિકા પોતાની તમામ જરૂરિયાતો પૂરી કરી શકશે. ટ્રમ્પે આ ક્ષેત્રમાં ભારત અને જાપાનના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત, જાપાન અને અમેરિકા સહિતના દેશો રેર અર્થ મિનરલ્સના ઉત્પાદનમાં ઝડપથી આગળ વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સંરક્ષણ ટેક્નોલોજી અને આધુનિક ઉદ્યોગોમાં થાય છે. આથી વૈશ્વિક સ્તરે આ ખનિજોની ઉપલબ્ધિ અને ઉત્પાદન વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે.




