Get News Alerts

Never miss breaking news updates.

Delhi: હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની મુલાકાત, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા સહમતિ વ્યક્ત કરી

Delhi: ભારત અને પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 02:59 PM IST
Delhi: હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની મુલાકાત, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા સહમતિ વ્યક્ત કરીDelhi: હૈદરાબાદ હાઉસમાં PM મોદી અને પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્કની મુલાકાત, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા સહમતિ વ્યક્ત કરી

pm modi with poland pm donald tusk

Delhi: ભારત અને પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલાં બંને નેતાઓએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, નવીનીકરણીય ઊર્જા અને આધુનિક ટેક્નોલોજી સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગતિ આપવા અને સહયોગની નવી તકો શોધવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ બંને નેતાઓ વિચારોનું આદાનપ્રદાન કરશે.

બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા

આ મુલાકાત પહેલા પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ટસ્ક સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. ડોનાલ્ડ ટસ્ક બુધવારે સાંજે ત્રણ દિવસની સત્તાવાર ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્યમંત્રી રાજ ભૂષણ ચૌધરીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટસ્ક સાથે પોલેન્ડના નાણાં અને અર્થતંત્ર મંત્રી આન્દ્રેજ ડોમાન્સ્કી તથા ઉચ્ચસ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.

ડોનાલ્ડ ટસ્ક બેંગલુરુની મુલાકાત લેશે

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પોલેન્ડના વડાપ્રધાન તરીકે ટસ્કની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલાં તેઓ વર્ષ 2010માં ભારત આવ્યા હતા. નવી દિલ્હીમાં કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ડોનાલ્ડ ટસ્ક બેંગલુરુની મુલાકાત લેશે. ત્યાં તેઓ માહિતી ટેક્નોલોજી, અવકાશ ક્ષેત્ર અને અન્ય વ્યાવસાયિક ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. ભારત-પોલેન્ડ વેપાર સંબંધોને નવી દિશા આપવા માટે 22 ઑક્ટોબરે નવી દિલ્હી અને 23 ઑક્ટોબરે બેંગલુરુમાં ભારત-પોલેન્ડ બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Saudi Arabia Airport Attack: સાઉદી અરેબિયાના કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો, એક ભારતીય સહિત બેના મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.