Assamના ખેડૂતોને મોટી રાહત: ગુવાહાટી એરપોર્ટને અગરવુડ ચિપ્સ અને તેલના નિકાસ કેન્દ્ર તરીકે મંજૂરી

Assam: કેન્દ્ર સરકારે આસામના ગુવાહાટી સ્થિત લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકને અગરવુડ ચિપ્સ અને અગરવુડ તેલના નિકાસ કેન્દ્ર તરીકે મંજૂરી આપી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 31 Oct 2026 03:31 PM IST
Assamના ખેડૂતોને મોટી રાહત: ગુવાહાટી એરપોર્ટને અગરવુડ ચિપ્સ અને તેલના નિકાસ કેન્દ્ર તરીકે મંજૂરીAssamના ખેડૂતોને મોટી રાહત: ગુવાહાટી એરપોર્ટને અગરવુડ ચિપ્સ અને તેલના નિકાસ કેન્દ્ર તરીકે મંજૂરી

Assam

Assam: કેન્દ્ર સરકારે આસામના ગુવાહાટી સ્થિત લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકને અગરવુડ ચિપ્સ અને અગરવુડ તેલના નિકાસ કેન્દ્ર તરીકે મંજૂરી આપી છે. આ નિર્ણયથી આસામના ખેડૂતો, ઉત્પાદકો અને નિકાસકારોને મોટી રાહત મળવાની આશા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે આ અંગે માહિતી આપી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની વિનંતી બાદ કેન્દ્ર સરકારે આ મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે આસામ અગરવુડના ઉત્પાદન માટે જાણીતું છે અને આ નિર્ણયથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો, ઉત્પાદકો તથા નિકાસકારોને ફાયદો થશે.

ઉત્તર-પૂર્વના નિકાસકારો માટે લોજિસ્ટિક્સમાં મોટું પગલું

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ગુવાહાટી એરપોર્ટને નિકાસ કેન્દ્ર તરીકે મંજૂરી મળવાથી માત્ર આસામ જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ મળશે. આ વ્યવસ્થાથી અગરવુડના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવાનું વધુ સરળ બની શકે છે.

તેમણે આસામ અને ઉત્તર-પૂર્વના લોકોને આ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા. સરકારના આ પગલાથી અગરવુડ સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓ માટે નવા બજારો સુધી પહોંચવાની તકો ઊભી થવાની શક્યતા છે.

ઓક્ટોબરમાં દુબઈમાં 123 કિલો અગરવુડની નિકાસ

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે આસામે ઓક્ટોબર મહિનામાં દુબઈમાં 123 કિલોગ્રામ અગરવુડના ટુકડાઓની નિકાસ કરી હતી. રાજ્ય સરકારે આ નિકાસને આસામના પરંપરાગત અગરવુડ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય બજારનો વિસ્તાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અગાઉ જણાવ્યું હતું કે આ ઉદ્યોગ સાથે 50 હજારથી વધુ ખેડૂતો અને મજૂરો જોડાયેલા છે. તેમણે આસામની સુગંધિત પરંપરાને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની દિશામાં આ નિકાસને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.

દેશના કુલ અગરવુડ સંસાધનોમાં આસામનો 81 ટકા હિસ્સો

મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઉપલબ્ધ કુલ અગરવુડ સંસાધનોમાંથી આશરે 81 ટકા હિસ્સો આસામમાં છે. અગરવુડ ‘એક્વિલેરિયા’ પ્રજાતિનાં વૃક્ષોમાં બનતું સુગંધિત લાકડું છે. તેની સુગંધ અને વિશેષ ગુણધર્મોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ રહે છે.

અગરવુડનો ઉપયોગ મુખ્યત્વે અત્તર, અગરબત્તી, એસેન્શિયલ ઓઇલ અને પરંપરાગત સુગંધિત ઉત્પાદનો બનાવવામાં થાય છે. ગુવાહાટી એરપોર્ટને નિકાસ કેન્દ્ર તરીકે મંજૂરી મળવાથી આ ઉદ્યોગને વૈશ્વિક બજાર સાથે જોડવામાં મદદ મળી શકે છે. સાથે જ આસામના ખેડૂતો અને સ્થાનિક ઉત્પાદકો માટે આવકની નવી તકો ઊભી થવાની આશા છે.

આ પણ વાંચો : Andaman Nicobarમાં પ્રથમ BIMSTEC દરિયાઈ સુરક્ષા અભ્યાસનું આયોજન, બંગાળની ખાડીમાં સહયોગ વધારવાનો હેતુ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.