Get News Alerts

Never miss breaking news updates.

CJP Protest Delhi : જંતર-મંતર પર CJPના પ્રદર્શનને પોલીસની મંજૂરી નહીં, દિલ્હીના 57 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રાખવાની તૈયારી

CJP Protest Delhi : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે 10 ઑક્ટોબરે પ્રસ્તાવિત કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Oct 2026 12:36 PM IST
CJP Protest Delhi : જંતર-મંતર પર CJPના પ્રદર્શનને પોલીસની મંજૂરી નહીં, દિલ્હીના 57 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રાખવાની તૈયારીCJP Protest Delhi : જંતર-મંતર પર CJPના પ્રદર્શનને પોલીસની મંજૂરી નહીં, દિલ્હીના 57 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રાખવાની તૈયારી

CJP Protest Delhi

CJP Protest Delhi : જંતર-મંતર ખાતે યોજાનારા આ પ્રદર્શન અંગે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 અને મોડેથી આપવામાં આવેલી સૂચનાને મુખ્ય કારણ ગણાવ્યાં છે. આ દરમિયાન દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસનાં જોઈન્ટ કમિશનર નૂપુર પ્રસાદે જણાવ્યું હતું કે CJPના સૌરવ દાસ તરફથી 10 ઑક્ટોબરના પ્રદર્શન અંગે અરજી મળી હતી. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, નિર્ધારિત માર્ગદર્શિકા પ્રમાણે પ્રદર્શનની જાણ ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં કરવાની હોય છે, જ્યારે આ કિસ્સામાં ટૂંકા સમય પહેલાં જાણ કરવામાં આવી હતી.

જ્ઞાનેશ કુમાર સામે CJPના પ્રદર્શનને મંજૂરી નહીં

પોલીસે અગાઉના એક પ્રદર્શન દરમિયાન કાનૂની સૂચનાઓ અને આપવામાં આવેલા આશ્વાસનોનું પાલન ન થયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાહેર વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિકનું સંચાલન જાળવવા માટે આ વખતે મંજૂરી ન આપવાનો નિર્ણય લેવાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. નવી દિલ્હી વિસ્તારમાં BNSSની કલમ 163 લાગુ હોવાનો ઉલ્લેખ કરીને પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.

મેટ્રો અને રેલવે સેવાઓ પર અસરની શક્યતા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને 57 મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ બંધ રાખવા અંગે સૂચના આપવામાં આવી હોવાના અહેવાલ છે. આ પ્રતિબંધો શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી લાગુ થવાના અને શનિવારે સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, તેનો અર્થ સમગ્ર દિલ્હી મેટ્રો સેવા બંધ થવાની નથી.

દિલ્હીમાં સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ કડક

રેલવે અંગે પણ અહેવાલમાં જણાવાયું છે કે 10 ઑક્ટોબરે સવારે 4થી બપોરે 2 વાગ્યા દરમિયાન નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચનારી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, 9 અને 10 ઑક્ટોબરે દિલ્હીમાં છૂટક દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે. નવી દિલ્હી તરફ જતા માર્ગો પર વાહનવ્યવહાર નિયંત્રિત થઈ શકે છે.

હોટેલ અને ગેસ્ટ હાઉસની નવી બુકિંગ પર પણ કેટલાક વિસ્તારોમાં નિયંત્રણોની શક્યતા દર્શાવવામાં આવી છે. દિલ્હીની સરહદો પર તપાસ વધારવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પણ પગલાં લેવાઈ રહ્યાં છે. અહેવાલ મુજબ, દિલ્હી પોલીસની મદદ માટે આશરે 23 હજાર સુરક્ષાકર્મીઓ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Kutch Accident News : કચ્છના ખાવડા પાસે ગમખ્વાર અકસ્માત, 7નાં મોત અને 22 લોકો ઈજાગ્રસ્ત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે