BJP India : 2027 ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું મંથન, નવી ટીમ સાથે નીતિન નવીનની મેગા બેઠક



BJP India
BJP India : 2027 ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું મંથન, નવી ટીમ સાથે નીતિન નવીનની મેગા બેઠક



BJP India
BJP India : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને ગુરુવારે પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવો સાથે પ્રથમ સંગઠનાત્મક બેઠક યોજી હતી. દિલ્હીના ભાજપ મુખ્યાલય ખાતે યોજાયેલી આ બેઠક ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને તેમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની રણનીતિ તેમજ સંગઠનાત્મક તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત સહિત 6 રાજ્યોની ચૂંટણી પર BJPનું ધ્યાન
બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, રાજ્યસભા સાંસદ વિનોદ તાવડે અને સતીશ પૂનિયા સહિત તમામ નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવો હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન બી.એલ. સંતોષ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નિતિન નવીને બેઠક બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કેસ નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવો સાથે આ પ્રથમ સંગઠનાત્મક બેઠક હતી.
તેમણે વિવિધ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટેની સંગઠનાત્મક તૈયારીઓ અને રણનીતિ અંગે ચર્ચા થયાની માહિતી આપી હતી.
પંજાબ-યુપી સહિત 6 રાજ્યોની ચૂંટણી
વર્ષ 2027માં પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ છ રાજ્યોમાંથી ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર છે, જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં છે. જેના કારણે આગામી ચૂંટણી ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભાજપે તાજેતરમાં પોતાના નવનિયુક્ત મહાસચિવોને વિવિધ રાજ્યોની જવાબદારી પણ સોંપી છે. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના રાજકીય મામલાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે સતીશ પૂનિયાને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. આ રાજ્યોમાં સંગઠન મજબૂત કરવા અને ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવા માટે નવી ટીમ મહત્વની ભૂમિકા ભજવશે.
BJP અધ્યક્ષની મહાસચિવો સાથે બેઠક
બેઠક દરમિયાન પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દ્વારા શરૂ થનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ની રૂપરેખા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન 17 સપ્ટેમ્બરથી દેશભરમાં એક મહિના સુધી ચલાવવામાં આવશે. પાર્ટી દ્વારા આ અભિયાનને સંગઠન અને જનસંપર્ક સાથે જોડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બેઠક સાથે ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણીઓ માટે અત્યારથી જ સંગઠનાત્મક અને રાજકીય તૈયારીઓનો સંકેત આપ્યો છે. નવી ટીમ, નવી જવાબદારીઓ અને રાજ્યોની વિશેષ રણનીતિ સાથે ભાજપ હવે આગામી ચૂંટણી માટે મેદાન તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



