Get News Alerts

Never miss breaking news updates.

નેપાળમાં ભીષણ પૂર વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય, 30 ટન રાહત સામગ્રી મોકલાશે

Nepal Flood: નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. પૂર અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાની માહિતી...
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 10:05 PM IST
નેપાળમાં ભીષણ પૂર વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય, 30 ટન રાહત સામગ્રી મોકલાશેનેપાળમાં ભીષણ પૂર વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય, 30 ટન રાહત સામગ્રી મોકલાશે

Nepal Flood

Nepal Flood: નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. પૂર અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ફોન પર વાત કરી અને જાનમાલના નુકસાન અંગે સંવેદના વ્યક્ત કરી હતી.

PM મોદીએ બાલેન્દ્ર શાહ સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે તેમણે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી હતી. તેમણે નેપાળમાં પૂરથી થયેલી જાનમાલની હાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. PM મોદીએ કહ્યું કે મુશ્કેલીના આ સમયમાં ભારતના લોકો નેપાળના પોતાના ભાઈ-બહેનો સાથે એકતાથી ઊભા છે. ભારત નેપાળને દરેક શક્ય માનવતાવાદી સહાય આપવા માટે તૈયાર છે અને બંને દેશોની ટીમો બચાવ તથા રાહત કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.

નેપાળને 30 ટન રાહત સામગ્રી મોકલાશે

નેપાળમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાહત સામગ્રી મોકલવાની તૈયારી શરૂ કરી છે. ભારત તરફથી નેપાળને આશરે 30 ટન રાહત સામગ્રી મોકલવામાં આવશે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો સુધી જરૂરી સામગ્રી ઝડપથી પહોંચે અને રાહત કામગીરીને વેગ મળે તે માટે ભારત તરફથી આ મદદ મોકલવામાં આવી રહી છે.

આજે જ એરફોર્સનું વિમાન નેપાળ જશે

મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાનું એક વિમાન આજે જ રાહત સામગ્રી લઈને નેપાળ માટે રવાના થવાનું છે. આ ઉપરાંત બીજા એક એરફોર્સ વિમાનને પણ આગામી દિવસે રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. બંને વિમાનો દ્વારા મોટી માત્રામાં જરૂરી રાહત સામગ્રી નેપાળ પહોંચાડવામાં આવશે. ભારત સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

400થી વધુ લોકો લાપતા, 105 ભારતીયોનો સમાવેશ

નેપાળના રસુવા જિલ્લામાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે મોટી સંખ્યામાં લોકો લાપતા થયા હોવાની માહિતી છે. લાપતા લોકોમાં 105 ભારતીય નાગરિકો હોવાની પણ માહિતી સામે આવી છે. પૂરના કારણે રસુવા અને ધાદિંગ ઉપરાંત કાઠમંડુના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા નુવાકોટ જિલ્લામાં પણ અસર થઈ છે. પૂર બાદ અનેક વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

384 પ્રવાસીઓ લાપતા હોવાનો દાવો

નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા મુજબ, રસુવામાં આવેલા પૂરના કારણે કુલ 384 પ્રવાસીઓ લાપતા થયા છે. તેમાં 291 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. લાપતા વિદેશી નાગરિકોમાં 105 ભારતીયો ઉપરાંત 37 NRI અને અમેરિકા, મલેશિયા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા નેધરલેન્ડના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ ટુરિઝમ બોર્ડ દ્વારા મદદ માટે ઇમરજન્સી ટોલ-ફ્રી નંબર 1234, હોટલાઇન નંબર 1144 અને ટુરિસ્ટ પોલીસનો સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

ભારત-નેપાળની ટીમો રાહત કામગીરીમાં સક્રિય

નેપાળમાં સર્જાયેલી કુદરતી આપત્તિ વચ્ચે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ભારત તરફથી પણ જરૂરી સહાય અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. PM મોદીની બાલેન્દ્ર શાહ સાથેની વાતચીત અને 30 ટન રાહત સામગ્રી મોકલવાના નિર્ણયથી સ્પષ્ટ છે કે મુશ્કેલીના આ સમયમાં ભારત નેપાળની સાથે ઊભું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]