Get News Alerts

Never miss breaking news updates.

Abhinandan Varthaman : 2019ના વીરથી હવે કમર્શિયલ પાયલટ, અભિનંદનની નવી ઉડાન સાત આસમાન કરશે પાર

Abhinandan Varthaman : 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચેની હવાઈ અથડામણ દરમિયાન MiG-21 બાઈસન ઉડાવીને દેશભરમાં ચર્ચામાં આવેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન હવે પોતાના જીવનની નવી ઉડાન માટે તૈયાર છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 03 Sep 2026 10:40 AM IST
Abhinandan Varthaman : 2019ના વીરથી હવે કમર્શિયલ પાયલટ, અભિનંદનની નવી ઉડાન સાત આસમાન કરશે પારAbhinandan Varthaman : 2019ના વીરથી હવે કમર્શિયલ પાયલટ, અભિનંદનની નવી ઉડાન સાત આસમાન કરશે પાર

Abhinandan Varthaman

Abhinandan Varthaman : ભારતીય વાયુસેનાના બહાદુર ફાઈટર પાયલટ તરીકે ઓળખાતા અભિનંદન હવે કમર્શિયલ એવિએશનમાં નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. તેઓ પ્રાદેશિક એરલાઈન FLY91 સાથે કમર્શિયલ પાયલટ તરીકે જોડાયા છે અને ટૂંક સમયમાં ATR વિમાનમાં મુસાફરોને ઉડાવતા જોવા મળી શકે છે.

FLY91ના જણાવ્યા અનુસાર અભિનંદન હાલમાં ગોવા-હૈદરાબાદ રૂટ પર ટ્રેનિંગ લઈ રહ્યા છે. જરૂરી તાલીમ અને નિયમનકારી મંજૂરીઓ પૂર્ણ થયા બાદ તેઓ એરલાઈનના ATR વિમાનની કમાન સંભાળી શકે છે. જોકે, એરલાઈને તેમની ટ્રેનિંગ અને ભવિષ્યના ફ્લાઈંગ શેડ્યૂલ અંગે વધુ વિગતો જાહેર કરી નથી.

મુસાફરોની સુરક્ષાની જવાબદારી નિભાવશે

અભિનંદન વર્ધમાનનું નામ 27 ફેબ્રુઆરી 2019 બાદ સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચેની હવાઈ અથડામણ દરમિયાન તેમણે MiG-21 Bison ઉડાવ્યું હતું. હવાઈ મુકાબલા દરમિયાન તેમનું વિમાન તૂટી પડ્યું અને તેઓ ઈજેક્ટ કરીને પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા હતા, જ્યાં પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લીધા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં તેમના સંયમ અને હિંમતને કારણે તેઓ દેશના જાણીતા ચહેરા બન્યા હતા.

બાદમાં તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ યુદ્ધકાળના વીરતા પુરસ્કાર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે અભિનંદનની ભૂમિકા સંપૂર્ણપણે બદલાઈ રહી છે. અત્યાર સુધી જે કોકપિટમાં તેઓ ફાઈટર જેટ દ્વારા રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી સંભાળતા હતા, હવે એ જ પ્રકારની શિસ્ત અને સતર્કતા સાથે તેઓ મુસાફરોની સુરક્ષાની જવાબદારી નિભાવશે.

મુસાફરી માર્ગો માટે ઉપયોગમાં લેવાતું ટર્બોપ્રોપ પેસેન્જર એરક્રાફ્ટ

MiG-21 Bison એક સુપરસોનિક ફાઈટર એરક્રાફ્ટ છે, જ્યારે ATR મુખ્યત્વે પ્રાદેશિક અને ટૂંકા અંતરના મુસાફરી માર્ગો માટે ઉપયોગમાં લેવાતું ટર્બોપ્રોપ પેસેન્જર એરક્રાફ્ટ છે. બંને વિમાનોની ભૂમિકા અલગ છે, પરંતુ પાઈલટ માટે ચોકસાઈ, શિસ્ત, ઝડપી નિર્ણયક્ષમતા અને દબાણમાં કામ કરવાની ક્ષમતા મહત્વપૂર્ણ રહે છે. અભિનંદન વર્ધમાન જૂન 2004માં ભારતીય વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમિશન થયા હતા.

તેમણે Su-30MKI સહિત વિવિધ ફાઈટર એરક્રાફ્ટ ઉડાવ્યા હતા અને બાદમાં MiG-21 Bison સ્ક્વાડ્રનનો હિસ્સો બન્યા હતા. ડિસેમ્બર 2021માં તેમને ગ્રુપ કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું હતું. હવે તેમની આગામી ઉડાન યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ દેશના શહેરોને જોડતા આકાશમાં હશે. MiG-21થી ATR સુધીનો આ સફર માત્ર વિમાન બદલાવાની નહીં, પરંતુ એક નવા મિશનની શરૂઆત છે.

આ પણ વાંચો : Gandhinagar : ગુજરાત સરકારે રાજયના તમામ હેલીપેડને સતત ‘ઓપરેશનલ કન્ડીશન’માં રાખવાના કડક દિશા-નિર્દેશો આપ્યાં

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.