Get News Alerts

Never miss breaking news updates.

Reliance Foundation અને Estée Lauder Foundationની ભાગીદારી, ભારતમાં 10 લાખ બાળકીઓ-યુવતીઓને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક

Reliance Foundation : ભારતમાં બાળકીઓ અને યુવતીઓને સશક્ત બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશને લાંબા ગાળાની ભાગીદારીની જાહેરાત કરી છે.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 06:36 PM IST
Reliance Foundation અને Estée Lauder Foundationની ભાગીદારી, ભારતમાં 10 લાખ બાળકીઓ-યુવતીઓને સશક્ત બનાવવાનો લક્ષ્યાંકReliance Foundation અને Estée Lauder Foundationની ભાગીદારી, ભારતમાં 10 લાખ બાળકીઓ-યુવતીઓને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક

Reliance Foundation

Reliance Foundation : ભારતમાં બાળકીઓ અને યુવતીઓને સશક્ત બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશને લાંબા ગાળાની ભાગીદારીની જાહેરાત કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં 10 લાખ બાળકીઓ અને યુવતીઓને આત્મવિશ્વાસ, જરૂરી કૌશલ્યો અને ભવિષ્યમાં આગળ વધવા માટેની તકો પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમની શરૂઆત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી કરવામાં આવશે અને ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં પણ તેનો વિસ્તાર કરવાની યોજના છે.

આ કાર્યક્રમ ખાસ કરીને 14થી 20 વર્ષની વયજૂથની ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતી બાળકીઓ તથા યુવતીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. બે વર્ષીય આ પહેલ અંતર્ગત જીવન કૌશલ્ય, ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાથે જ યુવતીઓને શિક્ષણ, રોજગાર, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા જેવા ભવિષ્યના વિકલ્પો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

દરેક બાળકીને પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની તક મળવી જોઈએ

રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે દરેક બાળકીને મોટાં સપનાં જોવાનો આત્મવિશ્વાસ, નેતૃત્વ કરવાની હિંમત અને પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની તક મળવી જોઈએ. આ ભાગીદારીથી લાખો બાળકીઓ અને યુવતીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સાકાર કરવામાં મદદ મળશે અને તેની સકારાત્મક અસર તેમના પરિવારો તથા સમુદાયો સુધી પહોંચશે. ધ એસ્ટે લોડર કંપનીઝના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા તેના ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ સ્ટેફન ડી લા ફેવરીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુવતીઓ માટે વધુ તકો ઊભી કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાવાનો ગર્વ છે. યુવતીઓને આધુનિક કાર્યક્ષેત્રમાં જોડાવા અને સફળ થવા માટે જરૂરી કૌશલ્યો વિકસાવવામાં આ પહેલ મદદરૂપ બનશે.

યુવતીઓને ડિજિટલ સાધનોનો ઉપયોગ શીખવાડાશે

આ કાર્યક્રમ બિનનફાકારક સંસ્થા ‘ગર્લ ઈફેક્ટ’ના સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે પ્રત્યક્ષ અને ડિજિટલ તાલીમ તેમજ ક્ષમતા નિર્માણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. યુવતીઓને ડિજિટલ સાધનો અને નાણાકીય સેવાઓનો સુરક્ષિત ઉપયોગ, આત્મસન્માનનું નિર્માણ, પોતાની સુરક્ષા અંગે જાગૃતિ અને જીવનમાં યોગ્ય પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશન 2010થી શિક્ષણ, રમતગમત, આજીવિકા અને મહિલા સશક્તીકરણ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત છે. બીજી તરફ, ધ એસ્ટે લોડર કંપનીઝ અને તેનું ચેરિટેબલ ફાઉન્ડેશન બે દાયકાથી વધુ સમયથી ભારતમાં આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રોમાં મહિલાઓ તથા યુવતીઓ માટે કાર્ય કરતી સંસ્થાઓને સહયોગ આપે છે. આ ભાગીદારીનો હેતુ યુવતીઓને માત્ર તાલીમ આપવાનો જ નહીં, પરંતુ તેમને પોતાના ભવિષ્ય અંગે સ્વતંત્ર નિર્ણય લઈ શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે સક્ષમ બનાવવાનો છે.

આ પણ વાંચો : IDBI Bank : સરકારી બેન્ક IDBIમાં પોતાનો હિસ્સો વેચશે સરકાર, કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.