RBI Digital Payment Rule: UPI અને ATM કાર્ડ પર હવે ગમે ત્યારે લગાવી શકાશે તાળું! ઓનલાઈન ઠગાઈ રોકવા RBI લાવી રહ્યું છે નવો નિયમ


RBI new rule UPI card digital payment controls બેંકિંગ નિયમ
RBI Digital Payment Rule: UPI અને ATM કાર્ડ પર હવે ગમે ત્યારે લગાવી શકાશે તાળું! ઓનલાઈન ઠગાઈ રોકવા RBI લાવી રહ્યું છે નવો નિયમ


RBI new rule UPI card digital payment controls બેંકિંગ નિયમ
RBI Digital Payment Rule: દેશમાં ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ બેંકિંગ સાથે જોડાયેલી છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ગ્રાહકોની સુરક્ષા માટે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. RBIએ 23 નવેમ્બર 2026ના રોજ ‘પ્રિવેન્ટિવ સેફગાર્ડ્સ ફોર ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શન’ નામનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ પ્રસ્તાવ હેઠળ ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે UPI, નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ડેબિટ-ક્રેડિટ કાર્ડને બંધ કે ચાલુ કરી શકશે. આ ઉપરાંત પેમેન્ટની મર્યાદા અને સમય પણ નક્કી કરી શકશે.
એક ક્લિકમાં બંધ કરી શકાશે UPI અને નેટ બેંકિંગ
RBIના પ્રસ્તાવ મુજબ બેંકોએ ગ્રાહકોને તેમના ખાતા સાથે જોડાયેલા ડિજિટલ પેમેન્ટ માધ્યમોને બંધ કરવાની સુવિધા આપવી પડશે. તેમાં UPI, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનો સમાવેશ થાય છે. ગ્રાહકો પોતાની પસંદગી પ્રમાણે એક અથવા તમામ પેમેન્ટ ચેનલ બંધ રાખી શકશે. એકવાર કોઈ ચેનલ બંધ થઈ જાય પછી તેના માધ્યમથી ગ્રાહક દ્વારા નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા જેવી ડેબિટ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. જરૂર પડે ત્યારે બેંકની શાખા અથવા ડિજિટલ એપ દ્વારા તેને ફરીથી શરૂ કરી શકાશે. જોકે, ફરીથી શરૂ કરવા માટે OTP અથવા બેંક દ્વારા નક્કી કરેલી અન્ય સુરક્ષા પ્રક્રિયા મારફતે ઓળખની ખરાઈ કરાવવી પડશે.
ગ્રાહકો પોતાની રીતે નક્કી કરી શકશે પેમેન્ટની મર્યાદા
આ નવા પ્રસ્તાવમાં ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ પર પાંચ પ્રકારના કંટ્રોલ આપવાની વાત કરવામાં આવી છે. તેના દ્વારા ગ્રાહકો પોતાની જરૂરિયાત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાણાંની લેવડદેવડ મર્યાદિત કરી શકશે.
- ટ્રાન્ઝેક્શન લિમિટ: એક વખતમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાય તેની મર્યાદા નક્કી કરી શકાશે. ઉદાહરણ તરીકે, એક પેમેન્ટ માટે મહત્તમ ₹10,000ની મર્યાદા રાખી શકાશે.
- બેનિફિશિયરી વાઇઝ લિમિટ: કોઈ એક વ્યક્તિને દિવસ દરમિયાન કેટલા રૂપિયા મોકલી શકાય તેની મર્યાદા નક્કી કરી શકાશે. જેમ કે, એક વ્યક્તિને રોજના વધુમાં વધુ ₹20,000 મોકલી શકાય.
- ડેઇલી ચેનલ લિમિટ: UPI અથવા અન્ય કોઈ એક પેમેન્ટ માધ્યમથી આખા દિવસમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાય તેની મર્યાદા નક્કી કરી શકાશે.
- કમ્બાઇન્ડ ડેઇલી લિમિટ: તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમોને જોડીને દિવસની કુલ ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરી શકાશે.
- ટાઇમ બેઝ્ડ કંટ્રોલ: ગ્રાહકો ચોક્કસ સમયગાળો નક્કી કરી શકશે, જેમાં પસંદ કરેલા પેમેન્ટ માધ્યમો બંધ રહેશે.
બેંકની નક્કી કરેલી મર્યાદાથી વધુ રકમ ટ્રાન્સફર નહીં થાય
RBIના ડ્રાફ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકો પોતાની મર્યાદા બેંક દ્વારા નક્કી કરેલી મહત્તમ મર્યાદાની અંદર જ રાખી શકશે. ઉદાહરણ તરીકે, જો બેંક એક UPI ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ ₹1 લાખની મંજૂરી આપે છે, તો ગ્રાહક પોતાની સુરક્ષા માટે આ મર્યાદા ઘટાડીને ₹20,000 કરી શકશે. પરંતુ બેંકની મંજૂર મર્યાદા કરતાં વધારે એટલે કે ₹1.5 લાખની મર્યાદા નક્કી કરી શકશે નહીં. આ વ્યવસ્થાથી કોઈ વ્યક્તિના ખાતામાંથી મોટી રકમની અનધિકૃત લેવડદેવડ થવાની શક્યતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
ડેબિટ અને ક્રેડિટ કાર્ડને પણ કરી શકાશે ON-OFF
RBIના પ્રસ્તાવમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો માટે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા સામેલ છે. બેંકોએ ગ્રાહકોને કાર્ડ ચાલુ કે બંધ કરવાની તેમજ તેની ટ્રાન્ઝેક્શન લિમિટ બદલવાની સુવિધા આપવી પડશે. આ નિયંત્રણ દેશની અંદર અને વિદેશમાં થનારા બંને પ્રકારના વ્યવહારો પર લાગુ પડશે. તેમાં ATMમાંથી રોકડ ઉપાડ, દુકાનોમાં POS મશીન દ્વારા પેમેન્ટ, ઓનલાઇન ખરીદી અને કોન્ટેક્ટલેસ પેમેન્ટનો સમાવેશ થાય છે. જોકે, ગ્રાહકો કાર્ડ જારી કરનાર બેંકે નક્કી કરેલી મહત્તમ મર્યાદાની અંદર જ ફેરફાર કરી શકશે. ગિફ્ટ પ્રીપેડ કાર્ડ અને જાહેર પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્ઝિટ કાર્ડને આ પ્રસ્તાવમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
RBIએ 14 ડિસેમ્બર સુધી માગ્યાં સૂચનો
હાલમાં RBI દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિયમો અંતિમ નથી, પરંતુ ડ્રાફ્ટ સ્વરૂપમાં છે. કેન્દ્રીય બેંકે બેંકો, સામાન્ય નાગરિકો અને અન્ય સંબંધિત પક્ષકારો પાસેથી 14 ડિસેમ્બર 2026 સુધી સૂચનો અને પ્રતિભાવો માગ્યા છે. મળેલા સૂચનોની સમીક્ષા કર્યા બાદ RBI આ નિયમોને અંતિમ સ્વરૂપ આપશે. આ પ્રસ્તાવ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો સહિતની બેંકિંગ સંસ્થાઓને લાગુ કરવાનો છે. નિયમો અમલમાં આવ્યા બાદ ગ્રાહકોને પોતાના ડિજિટલ પેમેન્ટ પર વધુ નિયંત્રણ મળશે અને ઓનલાઈન છેતરપિંડી સામે સુરક્ષાનું વધારાનું સ્તર ઊભું થઈ શકશે.




