Dharampurના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણી


Gautam Adani
Dharampurના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણી


Gautam Adani
Dharampur: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશનની મુલાકાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડો. પ્રીતિ અદાણી પહોંચ્યાં હતાં. નવરાત્રિના પાવન અવસરે રવિવારે યોજાયેલી આ મુલાકાત દરમિયાન બંનેએ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાતમાં આધ્યાત્મિક સાધના, માનવસેવા, મહિલા સશક્તિકરણ અને સમાજકલ્યાણનાં વિવિધ પાસાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યાં હતાં.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના અનુભવને આધ્યાત્મિક અને ભાવનાત્મક ગણાવ્યો હતો. તેમને શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ચરણ પ્રક્ષાલનને પોતાના માટે વિશેષ આધ્યાત્મિક અનુભવ ગણાવ્યો હતો.
ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીએ ‘રાજ સભાગૃહ’માં યોજાયેલા સત્સંગમાં ભાગ લીધો
મુલાકાત દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ સાધના અને સેવાને એકબીજાના પૂરક ગણાવતાં જીવનમાં મળેલાં સંસાધનો અને તકોનો ઉપયોગ સમાજની વ્યાપક ભલાઈ માટે કરવા પર ભાર મૂક્યો હતો. ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીએ મિશનના ધ્યાન અને આધ્યાત્મિક પ્રવચન કેન્દ્ર ‘રાજ સભાગૃહ’ ખાતે યોજાયેલા સત્સંગમાં પણ ભાગ લીધો હતો. અહીં માનવજીવનના હેતુ અને આધ્યાત્મિક સાધનાના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગૌતમ અદાણીએ મિશન સાથે સંકળાયેલા યુવાનો સાથે પણ સંવાદ કર્યો હતો.
આદિવાસી મહિલાઓના સશક્તિકરણનાં કાર્યોની મુલાકાત
ડો. પ્રીતિ અદાણીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન’ની મુલાકાત લઈ કૌશલ્ય વિકાસ, રોજગારી અને ઉદ્યોગસાહસિકતાના કાર્યક્રમોનો લાભ લઈ રહેલી આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત, તેમણે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકોને તબીબી સહાયક સાધનો વિતરણ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે મિશનના જિનમંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના પણ કરી હતી.
માનવસેવા અને આરોગ્ય ક્ષેત્રે સહયોગની સંભાવના
આ મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ મિશનની માનવસેવા સંસ્થા ‘શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર’ સાથે સંભવિત સહયોગ અંગે રસ દાખવ્યો હતો. જ્યારે ડો. પ્રીતિ અદાણીએ મિશનની દૃષ્ટિ સંભાળ સંબંધિત પહેલમાં સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી. આ પહેલ અદાણી ફાઉન્ડેશનનાં સામાજિક કાર્યો સાથે સુસંગત હોવાનું જણાવાયું હતું.
તમને જણાવી દઈએ કે 355 એકરમાં ફેલાયેલો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ મિશનનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ વર્ષ 1994માં મિશનની સ્થાપના કરી હતી. આજે છ ખંડોમાં મિશનનાં 142થી વધુ કેન્દ્રો કાર્યરત છે. જૈન આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની શિક્ષાઓથી પ્રેરિત આ મિશન જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા માનવજીવનમાં આંતરિક પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે કાર્ય કરે છે.
મિશનની માનવસેવા સંસ્થા આરોગ્ય, શિક્ષણ, માનવતાવાદી સહાય, પશુકલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીની આ મુલાકાતથી આધ્યાત્મિકતા સાથે સમાજસેવા અને લોકકલ્યાણનાં કાર્યોને વધુ મજબૂતી આપવાની દિશામાં સહયોગની નવી સંભાવનાઓ ઊભી થઈ છે.
આ પણ વાંચો: Surat: દશેરા પહેલા જ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ





