નેપાળ ફ્લેશ ફ્લડમાં વડોદરાનું NRI દંપતી પણ લાપતા, પરિવારની ચિંતા વધી



Nepal Flash Flood Vadodara NRI Couple
નેપાળ ફ્લેશ ફ્લડમાં વડોદરાનું NRI દંપતી પણ લાપતા, પરિવારની ચિંતા વધી



Nepal Flash Flood Vadodara NRI Couple
Nepal Flash Flood Vadodara NRI Couple: નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ વચ્ચે વડોદરાના એક NRI દંપતીના લાપતા થવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કિન્નરી પટેલ અને મિહિર પટેલ નેપાળમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે પહોંચ્યા હતા. પૂર બાદ બંનેનો પરિવાર સાથે સંપર્ક ન થતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.
30 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે દંપતી
કિન્નરી પટેલ અને મિહિર પટેલ છેલ્લા આશરે 30 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. બંને ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈને નેપાળ પહોંચ્યા હતા. તેમણે કૈલાશ માનસરોવર યાત્રા માટે મુંબઈની એક ટ્રાવેલ એજન્સી મારફતે બુકિંગ કરાવ્યું હતું. યાત્રા દરમિયાન બંને કાઠમંડુમાં રોકાયા હતા. જોકે, નેપાળમાં અચાનક આવેલા ફ્લેશ ફ્લડ બાદ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
એક અઠવાડિયા પહેલા બહેન સાથે થઈ હતી વાત
કિન્નરીબેનના ભાઈ ચિરાગ પટેલ હાલ વડોદરામાં પરિવાર સાથે ચિંતિત છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લે આશરે એક અઠવાડિયા પહેલા બહેન સાથે વાત થઈ હતી. ત્યારબાદથી તેમની કોઈ ભાળ મળી નથી. ચિરાગ પટેલે જણાવ્યું હતું કે તેમની બહેન અને બનેવી લાંબા સમયથી ન્યૂઝીલેન્ડમાં રહે છે અને કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા. ફ્લેશ ફ્લડની ઘટનાની જાણ થતાં પરિવારની ચિંતા વધી છે.
પરિવારને સરકાર તરફથી મળી રહી છે મદદ
પરિવારજનોના જણાવ્યા મુજબ, દંપતીની શોધ અને માહિતી મેળવવા માટે સ્થાનિક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મામલતદાર કચેરી તરફથી પરિવારનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને સરકાર તરફથી જરૂરી મદદ મળી રહી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારજનો ભારત અને ન્યૂઝીલેન્ડ બંને તરફથી કિન્નરીબેન અને મિહિરભાઈની સલામત ભાળ મળવાની રાહ જોઈ રહ્યા છે.
‘મોદી સરકાર પર સંપૂર્ણ ભરોસો’
કિન્નરીબેનના ભાઈ ચિરાગ પટેલે આશા વ્યક્ત કરી છે કે તેમની બહેન અને બનેવીની વહેલી તકે હેમખેમ ભાળ મળી જશે. તેમણે જણાવ્યું હતું કે પરિવારને સરકાર તરફથી જરૂરી સહયોગ મળી રહ્યો છે અને મોદી સરકાર પર તેમને સંપૂર્ણ ભરોસો છે કે સરકાર દંપતીને શોધવા માટે તમામ શક્ય મદદ કરશે. નેપાળમાં કુદરતી આફત બાદ અનેક લોકો લાપતા હોવાના અહેવાલો વચ્ચે વડોદરાના આ NRI દંપતીની ભાળ મેળવવા પરિવારજનો આતુર બન્યા છે. હવે બંનેની સલામત સ્થિતિ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



