Get News Alerts

Never miss breaking news updates.

Begging Free Gujarat: વડોદરા સહિત ગુજરાતના 4 સ્થળો બનશે ભિક્ષાવૃત્તિ મુક્ત, 6 મહિના આશ્રય સાથે રોજગારલક્ષી તાલીમ

Begging Free Gujarat: ગુજરાતના વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢને તબક્કાવાર ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના SMILE (Support for Marginalized Individuals...
R Gajjar
R GajjarUpdated on: 27 Aug 2026 06:13 PM IST
Begging Free Gujarat: વડોદરા સહિત ગુજરાતના 4 સ્થળો બનશે ભિક્ષાવૃત્તિ મુક્ત, 6 મહિના આશ્રય સાથે રોજગારલક્ષી તાલીમBegging Free Gujarat: વડોદરા સહિત ગુજરાતના 4 સ્થળો બનશે ભિક્ષાવૃત્તિ મુક્ત, 6 મહિના આશ્રય સાથે રોજગારલક્ષી તાલીમ

Begging Free Gujarat

Begging Free Gujarat: ગુજરાતના વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢને તબક્કાવાર ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના SMILE (Support for Marginalized Individuals for Livelihood and Enterprise) અભિયાન હેઠળ ગુજરાતના આ ચાર સ્થળો દેશના શ્રેષ્ઠ કામગીરી કરનારા 25 જિલ્લાઓમાં સામેલ થયા છે. અભિયાનના સુદ્રઢ અમલીકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના અધિક સચિવ મોના ખંધારે વડોદરા ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા લોકોને મળશે આશ્રય

અભિયાન હેઠળ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને માત્ર રસ્તા પરથી હટાવવાનો નહીં, પરંતુ તેમને પુનઃસ્થાપિત કરીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ અને રોજગાર અધિકારીઓ સહિતના વિભાગો સંકલન કરીને આવા લોકોને આશ્રય આપશે. તેમના જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવા સાથે કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે પણ મદદ કરવામાં આવશે.

પરિવારોને 6 મહિના સુધી આશ્રય

અધિક સચિવ મોના ખંધારેએ જણાવ્યું હતું કે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારોને એક જ સ્થળે રાખીને સૌપ્રથમ તેમનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. ત્યારબાદ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો બનાવવાની કામગીરી કરવામાં આવશે. સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભિક્ષાવૃત્તિના સ્થળોને ઓળખીને લોકોને આશ્રય કેન્દ્રો સુધી ખસેડવામાં આવશે. આવા પરિવારોને આશ્રયસ્થળે છ મહિના સુધી રાખવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન તેમને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે.

તાલીમ બાદ રોજગાર, પછી પણ ફોલોઅપ

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભિક્ષાવૃત્તિ કરતા ઘણા લોકો એક જ પરિવારના સભ્યો હોય છે, તેથી તેમને આશ્રય આપતી વખતે પરિવારના સભ્યોને સાથે રાખવાની વ્યવસ્થા જરૂરી છે. તેમણે વધુમાં સૂચન કર્યું હતું કે તાલીમ બાદ લોકોને રોજગાર મળે તે પૂરતું નથી, પરંતુ તેઓ કામના સ્થળે લાંબા સમય સુધી ટકી રહે તે માટે સતત ફોલોઅપ પણ જરૂરી છે.

વડોદરામાં 8 શેલ્ટર હોમ કાર્યરત

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ બેઠકમાં શહેરની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં ભિક્ષાવૃત્તિ થતી હોય તેવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે. વડોદરા મહાપાલિકા હાલમાં આશરે 8 શેલ્ટર હોમ ચલાવી રહી છે. શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે જરૂરિયાત મુજબ વધુ શેલ્ટર હોમ વિકસાવવાની કામગીરી પણ કરવામાં આવશે.

ગુજરાતના ચાર સ્થળોનો ટોપ-25માં સમાવેશ

કેન્દ્ર સરકારના SMILE અભિયાન હેઠળ દેશના શ્રેષ્ઠ કામગીરી કરનારા 25 જિલ્લાઓમાં ગુજરાતના વડોદરા, એકતાનગર, ગીર સોમનાથ અને પાવાગઢનો સમાવેશ થયો છે. પ્રથમ તબક્કામાં આ ચારેય સ્થળોને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગો સાથે મળીને કામગીરી કરશે.

પંચમહાલ, નર્મદા અને ગીર સોમનાથની પણ સમીક્ષા

બેઠક દરમિયાન મોના ખંધારેએ ઓનલાઇન જોડાયેલા પંચમહાલ, નર્મદા અને ગીર સોમનાથના વહીવટી તંત્ર પાસેથી પણ અભિયાનના અમલીકરણ અંગેની વિગતો મેળવી હતી. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને કાયમી રીતે આ પ્રવૃત્તિમાંથી બહાર લાવી આશ્રય, દસ્તાવેજો, કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો પૂરી પાડવાનો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]