Surat News: દિવાળી અને લગ્નપ્રસંગ ટાણે તસ્કરોનો તરખાટ, પાલોદમાં 20 લાખથી વધુની મત્તાની ચોરી


Surat News
Surat News: દિવાળી અને લગ્નપ્રસંગ ટાણે તસ્કરોનો તરખાટ, પાલોદમાં 20 લાખથી વધુની મત્તાની ચોરી


Surat News
Surat News: દિવાળીના તહેવારો નજીક આવતાં જ તસ્કરો સક્રિય થયા હોય તેમ સુરત જિલ્લામાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. કીમ ચાર રસ્તા નજીક આવેલા પાલોદ વિસ્તારના મહેબૂબ નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 20 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘરના સભ્યો ઊંઘમાં હતા ત્યારે જ તસ્કરો ચોરી કરીને ફરાર
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોરીની ઘટના બની ત્યારે ઘરના સભ્યો હોલમાં સૂઈ રહ્યા હતા. તસ્કરોએ ઘરના આગળના ભાગેથી ઉપર ચઢીને મકાનમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ તસ્કરોએ ઘરમાં પ્રવેશીને કબાટનું લોક તોડી અંદર રાખેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હતી. ઘરના સભ્યો ઊંઘમાં હતા ત્યારે જ તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સૌથી દુઃખદ બાબત એ છે કે પરિવારના બે દીકરાઓના લગ્ન દિવાળીના સમયગાળા દરમિયાન યોજાવાના છે. લગ્નપ્રસંગ માટે પરિવારે લાંબા સમયથી મહેનત કરીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ એકત્રિત કરી રાખ્યા હતા. જોકે, લગ્નની તૈયારીઓ વચ્ચે જ તસ્કરો આ કિંમતી મત્તા ચોરી જતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
ચોરીની ઘટનાથી પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા
દિવાળીના તહેવાર અને ઘરમાં લગ્નપ્રસંગની ખુશીઓ વચ્ચે બનેલી આ ચોરીની ઘટનાથી પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લગ્ન માટે એકત્ર કરેલી મૂડી ચોરાઈ જતાં પરિવારની ચિંતામાં વધારો થયો છે. ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે પાલોદ પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્કરો કઈ રીતે ઘરમાં પ્રવેશ્યા, ચોરીમાં કેટલા લોકો સામેલ હતા અને ચોરી કરેલી મત્તા ક્યાં લઈ ગયા તે સહિતના પાસાંઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈ





