Surat ના સારોલીમાં મોડી રાત્રે ભીષણ આગ, શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મચી અફરાતફરી



surat fire
Surat ના સારોલીમાં મોડી રાત્રે ભીષણ આગ, શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મચી અફરાતફરી



surat fire
Surat : આગની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમને રાત્રે આશરે 12:50 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ શરૂઆતમાં 6 ફાયર ફાયટર વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે આગની ગંભીરતાને જોતા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
બ્રિગેડ કોલ જાહેર થયા બાદ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની વધુ ટીમો અને વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. હાલ ઘટનાસ્થળે અંદાજે 15થી 20 જેટલા ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. આગ બુઝાવવાની કામગીરી માટે ફાયર એન્જિન અને ટેન્કર ઉપરાંત વોટર બાઉઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ફાયર વિભાગે આગને લીધી કાબુમાં
માર્કેટમાં આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઊંચાઈ પર ફાયર ફાઇટિંગ કરવા માટે ટર્નટેબલ લેડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી રહી છે. આગના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભારે ધુમાડાને કારણે ઘટનાસ્થળે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. અંધારું અને ગાઢ ધુમાડો ફાયર બ્રિગેડની ટીમો માટે મોટો પડકાર બન્યો હતો.
તેમ છતાં ફાયર કર્મચારીઓ દ્વારા સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ માર્કેટના પેસેજમાં લાગેલી આગ હાલ કંટ્રોલમાં હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગવાનું કારણ અકબંધ
માર્કેટના પેસેજમાં મોટી માત્રામાં માલસામાન પડેલો હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે 4થી 5 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર કર્મચારીઓ દ્વારા કેટલીક દુકાનોના શટર અને તાળા તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો.
દુકાનોની અંદર પેકિંગ સહિતની વિવિધ જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા ખાસ સાવચેતી સાથે કામગીરી કરવામાં આવી રહી છે. હાલ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી અને આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ નુકસાનનો અંદાજ સ્પષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો : Arvalli જિલ્લામાં SMCનો સપાટો, દારૂ ભરેલી કાર ઝડપી ₹23.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



