Get News Alerts

Never miss breaking news updates.

Surat : રાંદેર પોલીસે આંતરરાજ્ય વાહનચોર ગેંગના બે આરોપીઓને ઝડપ્યા, 13 બાઈક અને મોબાઈલ સહિત ₹4.55 લાખનો મુદ્દામાલ કબજે

Surat : શહેરમાં વાહનચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વાહન અને મોબાઈલ ફોનની ચોરી કરતી હોવાની આશંકા ધરાવતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 02:35 PM IST
Surat : રાંદેર પોલીસે આંતરરાજ્ય વાહનચોર ગેંગના બે આરોપીઓને ઝડપ્યા, 13 બાઈક અને મોબાઈલ સહિત ₹4.55 લાખનો મુદ્દામાલ કબજેSurat : રાંદેર પોલીસે આંતરરાજ્ય વાહનચોર ગેંગના બે આરોપીઓને ઝડપ્યા, 13 બાઈક અને મોબાઈલ સહિત ₹4.55 લાખનો મુદ્દામાલ કબજે

Surat

Surat : શહેરમાં વાહનચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વાહન અને મોબાઈલ ફોનની ચોરી કરતી હોવાની આશંકા ધરાવતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીની 13 મોટરસાઈકલ અને એક વનપ્લસ મોબાઈલ ફોન સહિત કુલ ₹4.55 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ વાહનો રાજસ્થાનમાં વેચવાની ફિરાકમાં હતા

પોલીસે રાજસ્થાનના મૂળ વતની પ્રકાશ ઉર્ફે રવી નિનામા અને પપ્પુ જીવાભાઈ નીનામાની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે બોટનિકલ ગાર્ડન અને ઉગત પાણીની ટાંકી નજીક સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ મોડી રાત્રે ડુપ્લિકેટ ચાવીની મદદથી અથવા સ્ટીયરિંગ લોક તોડીને મોટરસાઈકલની ચોરી કરતા હોવાની વિગતો સામે આવી છે. ચોરી કરેલા વાહનોમાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે તેઓ વાહનોને અલગ-અલગ સ્થળે સંગ્રહ કરતા હતા. ત્યારબાદ આ વાહનો રાજસ્થાનમાં વેચવાની ફિરાકમાં હતા.

વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

પોલીસની કાર્યવાહી દરમિયાન રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, સિંગણપોર, ઈચ્છાપોર અને ઓલપાડ પોલીસ મથકોમાં નોંધાયેલા અનેક વણશોધાયેલા વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. વધુમાં, ઝડપાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે રવી નિનામા સામે મધ્યપ્રદેશના શૈલાના પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

રાંદેર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પીએસઆઈ સહિતની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી અન્ય વાહનચોરીના ગુનાઓમાં તેમની સંડોવણી અને ગેંગના અન્ય સભ્યો અંગે માહિતી મળી શકે. આ કાર્યવાહીથી સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી વાહનચોરીના વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતા વધી છે.

આ પણ વાંચો : DyCM હર્ષ સંઘવીના હસ્તે 'સિંગલ ક્લિક'થી 14,853 ઉદ્યોગ સાહસિકોને રૂપિયા 1,100 કરોડના ઈન્સેન્ટિવનું વિતરણ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.