Get News Alerts

Never miss breaking news updates.

Surat News: રૂપિયા 40 લાખના બોસ સ્કેમમાં હરિયાણાથી આરોપી ઝડપાયો

Surat News: સુરત સાયબર ક્રાઈમ દ્વારા રૂપિયા 40 લાખની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં હરિયાણાના ફતેહાબાદથી 26 વર્ષીય નવીન જાટની ધરપકડ કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 05:50 PM IST
Surat News: રૂપિયા 40 લાખના બોસ સ્કેમમાં હરિયાણાથી આરોપી ઝડપાયોSurat News: રૂપિયા 40 લાખના બોસ સ્કેમમાં હરિયાણાથી આરોપી ઝડપાયો

Surat

Surat News: સુરત સાયબર ક્રાઈમ દ્વારા રૂપિયા 40 લાખની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં હરિયાણાના ફતેહાબાદથી 26 વર્ષીય નવીન જાટની ધરપકડ કરવામાં આવી છે. કંપનીના એકાઉન્ટન્ટનું લેપટોપ હેક કરીને કંપનીના માલિક તરીકે ઓળખ આપી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવવાના બોસ સ્કેમમાં આરોપીની ભૂમિકા હોવાનો પોલીસનો આરોપ છે. આ કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયબર ઠગોએ કંપનીના એકાઉન્ટન્ટને ZIP ફાઈલ મોકલી હતી

મળતી માહિતી મુજબ, સાયબર ઠગોએ કંપનીના એકાઉન્ટન્ટને ZIP ફાઈલ મોકલી હતી. આ ફાઈલના માધ્યમથી લેપટોપ હેક કર્યા બાદ ઠગોએ કંપનીના માલિક તરીકે ઓળખ આપી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે કંપની સાથે આશરે ₹40 લાખની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા અમિત ચમાર મારફતે નવીન જાટનું નામ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, નવીને આ બોસ સ્કેમમાં ઉપયોગમાં લેવાયેલું બેન્ક ખાતું પૂરું પાડ્યું હોવાનો આરોપ છે.

આરોપીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો

આ આધારે સુરત સાયબર ક્રાઈમે હરિયાણાના ફતેહાબાદમાં તપાસ કરીને નવીન જાટને ઝડપી પાડ્યો હતો. DCP વિશાખા જૈનના જણાવ્યા મુજબ, આરોપીને પકડવા માટે પોલીસે લગભગ દોઢ મહિના સુધી ટેક્નિકલ તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને VPNનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ પડકારો વચ્ચે ટેક્નિકલ માહિતીના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

તપાસમાં નવીન સાથે જોડાયેલા અન્ય એક બેન્ક ખાતામાં મહારાષ્ટ્રમાં નોંધાયેલી ₹87.60 લાખની બોસ સ્કેમની ફરિયાદ પણ સામે આવી છે. આથી અન્ય સાયબર છેતરપિંડીના કેસો સાથે આરોપીની સંભવિત કડી અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આરોપીના મોબાઈલ ફોનમાંથી USDT ટ્રેડિંગ અને દુબઈમાં USDT મોકલવા સંબંધિત માહિતી પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે તપાસ ચાલુ છે. પોલીસ હવે સમગ્ર નેટવર્કની વિગતો મેળવવા આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો : Surat News: ઈચ્છાપોરમાં 71 વર્ષના વૃદ્ધની હત્યા, ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.