Get News Alerts

Never miss breaking news updates.

Sabarkantha Police News : ઈડર પોલીસની સફળ કાર્યવાહી, વડોદરા નજીકથી બાળકને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવ્યું

Sabarkantha Police News : ઈડર તાલુકાના મણિયાર વિસ્તારમાં કૌટુંબિક વિવાદના પગલે એક બાળકનું અપહરણ કરી તેની માતા પાસે પૈસાની માંગણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 19 Oct 2026 01:57 PM IST
Sabarkantha Police News : ઈડર પોલીસની સફળ કાર્યવાહી, વડોદરા નજીકથી બાળકને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવ્યુંSabarkantha Police News : ઈડર પોલીસની સફળ કાર્યવાહી, વડોદરા નજીકથી બાળકને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવ્યું

Sabarkantha Police

Sabarkantha Police News : બાળકને જીવતો પાછો જોઈતો હોય તો પૈસા આપીને લઈ જવાની ધમકીભર્યા ફોન બાદ ઈડર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે યુક્તિપૂર્વક કાર્યવાહી કરીને વડોદરા નજીકથી બાળકને મુક્ત કરાવ્યો હતો અને અપહરણના આરોપી વિશાલ માછીની અટકાયત કરી હતી.

મળતી માહિતી મુજબ, બાળકને રિક્ષામાં બેસાડીને ઈડર બજારમાં ફરવા લઈ જવાના બહાને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અપહરણ કરનાર યુવકે બાળકની માતાને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. પુત્રને જીવતો જોઈતો હોય તો પૈસા આપીને લઈ જવાની ધમકી મળતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

સાબરકાંઠા પોલીસની સફળ કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈડર પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અપહરણમાં ખાનગી વાહનનો ઉપયોગ થયો હોવાના પુરાવા ન મળતાં પોલીસે અલગ દિશામાં તપાસ આગળ ધપાવી હતી. ધમકીભર્યા ફોન કોલ કરનારનું લોકેશન ટ્રેક કરતાં તેની હિલચાલ વડોદરા તરફની મુસાફરી સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઈડરથી વડોદરા તરફ જતી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરના લોકેશનની વિગતો મેળવી હતી.

ધમકીભર્યા કોલના લોકેશન સાથે મળતી વિગતોના આધારે પોલીસની શંકા મજબૂત બની હતી. ત્યારબાદ ઈડર પોલીસે સંબંધિત બસના ડ્રાઈવર અને કંડક્ટરનો સંપર્ક કરીને તેમને વિશ્વાસમાં લીધા હતા.

ઈડર પોલીસે બસના ડ્રાઈવર-કંડક્ટરની મદદથી આરોપીને પકડ્યો

પોલીસ અને એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર વચ્ચેના સંકલનથી અપહરણકર્તા સુધી પહોંચવામાં મદદ મળી હતી. પોલીસે વડોદરા નજીકથી બાળકને મુક્ત કરાવી આરોપી તરીકે ઓળખાયેલા ભરૂચ જિલ્લાના દહેજના વિશાલ માછીની અટકાયત કરી હતી. બાળક ઘટનાને કારણે ભયભીત થઈ ગયું હોવાથી ઈડર પોલીસે તેને કાફેમાં લઈ જઈ તેની સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો.

ત્યારબાદ બાળકને તેના માતા-પિતા સાથે ફરીથી મિલાવ્યો હતો. બાળક સુરક્ષિત રીતે પરિવાર પાસે પરત ફરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં લોકેશન ટ્રેકિંગ અને બસના ડ્રાઈવર-કંડક્ટર સાથેના સંકલનથી પોલીસને તપાસમાં મદદ મળી હતી. હાલ આરોપી સામેના આક્ષેપો અને અપહરણ પાછળના કારણો અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Gujarat Targets Japanese Investment in Semiconductors : ઓસાકામાં ગુજરાત માટે હાઇ-લેવલ બેઠક, જાપાનના ઉદ્યોગપતિઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ કરી રોકાણની ચર્ચા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે