Rajkot: લોધિકા સંઘ ચૂંટણીમાં ઉલટફેર બાદ ભાજપમાં ગરમાવો: અલ્પેશ ઢોલરિયાના બદલાયા સૂર, રૈયાણીએ કહ્યું- પગ વાળીને બેસવાનો નથી



Rajkot
Rajkot: લોધિકા સંઘ ચૂંટણીમાં ઉલટફેર બાદ ભાજપમાં ગરમાવો: અલ્પેશ ઢોલરિયાના બદલાયા સૂર, રૈયાણીએ કહ્યું- પગ વાળીને બેસવાનો નથી



Rajkot
Rajkot: રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીના પરિણામ બાદ રાજકોટ જિલ્લા ભાજપના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પૂર્વે ભાજપના તમામ ઉમેદવારોને ભાજપના જ કાર્યકર્તા ગણાવનાર જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના પરિણામ બાદના નિવેદનથી ચર્ચા તેજ બની છે. બીજી તરફ ચૂંટણીમાં પરાજય બાદ પૂર્વ રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીએ પણ પોતાની હાર સ્વીકારીને વિરોધીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ પગ વાળીને બેસવાના નથી. તાજા પરિણામોમાં ભાજપના વ્હીપ વિરુદ્ધ લડેલા ઉમેદવારોને સફળતા મળતા પક્ષની આંતરિક ખેંચતાણ ફરી ચર્ચામાં આવી છે.
પરિણામ બાદ બદલાયા અલ્પેશ ઢોલરિયાના સૂર
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ચૂંટણી પૂર્વે કહ્યું હતું કે ચૂંટણી મેદાનમાં રહેલા તમામ ઉમેદવારો ભાજપના જ કાર્યકર્તા છે. જોકે, પરિણામ જાહેર થયા બાદ તેમના નિવેદનમાં બદલાવ જોવા મળ્યો છે. ઢોલરિયાએ જણાવ્યું કે વિજય સખીયા અને નીતિન ચોવટિયા ભાજપના કાર્યકર્તા નથી. આ નિવેદનને લઈને ભાજપના સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે.
ભાજપના વ્હીપનો અનાદર કરનાર સામે કાર્યવાહી?
લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપ દ્વારા પોતાના અધિકૃત ઉમેદવારોના સમર્થનમાં વ્હીપ જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક ઉમેદવારોએ પક્ષના નિર્ણયની સામે ચૂંટણી લડી હતી અને પરિણામમાં તેમને સફળતા મળી છે. અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું કે ભાજપના વ્હીપનો અનાદર કરનાર સામે પ્રદેશ કક્ષાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણીના પરિણામ બાદ હવે પક્ષીય શિસ્તના મુદ્દે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
રૈયાણી સહિતના દિગ્ગજોને પરાજય
લોધિકા સંઘની પાંચ બેઠકોની ચૂંટણીમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા જેવા દિગ્ગજ ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો. કુવાડવા બેઠક પર નીતિન ચોવટિયાએ અરવિંદ રૈયાણીને હરાવ્યા, જ્યારે માધાપર બેઠક પર વિજય સખીયાએ ઘોઘુભા જાડેજાને પરાજય આપ્યો. આ પરિણામને ભાજપના આંતરિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
અરવિંદ રૈયાણીની સ્પષ્ટ કબૂલાત
પરાજય બાદ અરવિંદ રૈયાણીએ પોતાની હાર સ્વીકારીને જણાવ્યું કે, “ચોક્કસથી હું ચૂંટણી હાર્યો છું તેની કબુલાત કરું છું.” જોકે, તેમણે સાથે જ વિરોધીઓને સંદેશ આપતા કહ્યું કે “પગ વાળીને બેસવાનો નથી.” રૈયાણીએ વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં સરકાર દ્વારા ત્રણ બોર્ડ ડિરેક્ટરોની નિયુક્તિ મામલે જે નિર્ણય લેવામાં આવશે તે તેમને શિરોમાન્ય રહેશે.
હારેલા ઉમેદવારોને બોર્ડમાં પ્રતિનિધિત્વની ચર્ચા
ચૂંટણીમાં પરાજય બાદ પણ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તેમજ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને સરકાર દ્વારા બોર્ડ ડિરેક્ટર તરીકે પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ અંગે હજુ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. આગામી દિવસોમાં સરકાર અને પક્ષ સંગઠન તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સહકારી ક્ષેત્રની સાથે રાજકોટના રાજકીય વર્તુળોની પણ નજર રહેશે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણ ચર્ચામાં આવી છે. અલ્પેશ ઢોલરિયાના બદલાયેલા નિવેદન અને અરવિંદ રૈયાણીની પ્રતિક્રિયાથી રાજકારણ ગરમાયું.
આ પણ વાંચો : Rajkot: સ્ટેન્ડિંગ કમિટીમાં 30 કરોડના વિકાસકામોની દરખાસ્ત, 10 કરોડના કામોને મંજૂરી




