Canadaમાં ભયાનક અકસ્માત, 4 ગુજરાતીઓનાં મોત, અંકલેશ્વરની મિત્તલ મોદી પ્રજાપતિએ ગુમાવ્યો જીવ


Canada
Canadaમાં ભયાનક અકસ્માત, 4 ગુજરાતીઓનાં મોત, અંકલેશ્વરની મિત્તલ મોદી પ્રજાપતિએ ગુમાવ્યો જીવ


Canada
Canadaના બ્રિટિશ કોલંબિયામાં સિકેમસ નજીક હાઈવે-1 પર બે વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયા છે. મૃતકોમાં અંકલેશ્વરની 36 વર્ષની મિત્તલ મોદી-પ્રજાપતિ સહિત 4 ભારતીયોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં અન્ય 3 મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
સ્ટેડનિકી રોડ નજીક આ અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ શુક્રવાર, 16 ઓક્ટોબરની રાત્રે લગભગ 10:45 વાગ્યે સિકેમસ શહેરથી પૂર્વ તરફ સ્ટેડનિકી રોડ નજીક આ અકસ્માત સર્જાયો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિશામાં જઈ રહેલી મર્સિડીઝ પેસેન્જર વાન પૂર્વ દિશામાંથી આવી રહેલા ટો ટ્રક સાથે અથડાઈ હતી. ટો ટ્રક સિકેમસ ટ્રક સ્ટોપ તરફ જવા માટે ડાબી બાજુ વળી રહી હતી, તે દરમિયાન બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ ચાર ગુજરાતીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા
વિશ્વા પટેલ (27 વર્ષ)
પાર્થ સોલંકી (27 વર્ષ)
હિરેન આસોડિયા (29 વર્ષ)
મિત્તલ મોદી પ્રજાપતિ (36 વર્ષ), મૂળ અંકલેશ્વરના
મળતી માહિતી મુજબ મિત્તલ મોદી પ્રજાપતિ ભારતમાં પોતાના પતિ અને 10 વર્ષની દીકરીને મૂકીને ગયા હતા. તેમના નિધનના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ચારેય મૃતદેહોને ભારત પરત લાવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પરિવારજનો અને સંબંધિત લોકો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અકસ્માતની તપાસ માટે RCMPની ઈન્ટિગ્રેટેડ કોલિઝન એનાલિસિસ એન્ડ રિકન્સ્ટ્રક્શન (ICARS) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ અને તપાસની કામગીરીને કારણે હાઈવે-1 લગભગ સાત કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો અને શનિવારે વહેલી સવારે ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાયો હતો.
બચાવ કામગીરીમાં બ્રિટિશ કોલંબિયા એમ્બ્યુલન્સ સિકેમસ ફાયર રેસ્ક્યૂ
બચાવ કામગીરીમાં બ્રિટિશ કોલંબિયા એમ્બ્યુલન્સ સિકેમસ ફાયર રેસ્ક્યૂ અને ઈગલ વેલી રેસ્ક્યૂ સોસાયટીએ સહયોગ આપ્યો હતો. અકસ્માત સમયે રસ્તાની સ્થિતિ સારી હતી, વરસાદ ન હતો અને દૃશ્યતા પણ સ્પષ્ટ હતી. આ દુર્ઘટનામાં અન્ય 3 મુસાફરો ઘાયલ થયા છે. તેઓ ઝડપથી સ્વસ્થ થાય અને મૃતકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં આ દુર્ઘટનાને પગલે શોકની લાગણી વ્યાપી છે.





