Get News Alerts

Never miss breaking news updates.

Mehsana News: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો 'સૂર્યા' ફિલ્મ સામે ઉગ્ર વિરોધ, કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો

Mehsana News: ફિલ્મમાં તબીબી વ્યવસાયની છબીને નુકસાન પહોંચાડતાં દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં એસોસિએશને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજૂઆત કરી છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 04:06 PM IST
Mehsana News: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો 'સૂર્યા' ફિલ્મ સામે ઉગ્ર વિરોધ, કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યોMehsana News: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો 'સૂર્યા' ફિલ્મ સામે ઉગ્ર વિરોધ, કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો

Mehsana News

Mehsana News: 'સૂર્યા' ફિલ્મને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ફિલ્મમાં તબીબી વ્યવસાયની છબીને નુકસાન પહોંચાડતાં દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં એસોસિએશને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજૂઆત કરી છે. ફિલ્મની નિષ્પક્ષ સમીક્ષા કરી જરૂરી સુધારા કરવા તેમજ જરૂર પડે તો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પણ અપીલ કરવામાં આવી છે.

ફિલ્મમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાના દૃશ્યો દર્શાવવામાં આવ્યા

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાના દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે, જે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં નારાજગીનું કારણ બન્યા છે. તબીબોનું માનવું છે કે આવા દૃશ્યોની રજૂઆતથી સમાજમાં તબીબી વ્યવસાય પ્રત્યે નકારાત્મક માનસિકતા ઊભી થઈ શકે છે. એસોસિએશને તબીબોની સુરક્ષા અને દર્દીઓના વિશ્વાસ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ડોક્ટરો અને આરોગ્યકર્મીઓ દર્દીઓની સારવાર માટે સતત કાર્યરત રહે છે ત્યારે તેમની સામે હિંસા દર્શાવતાં દૃશ્યોની અસર સમાજ પર પડી શકે છે અને તબીબો તથા દર્દીઓ વચ્ચેના વિશ્વાસના સંબંધને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

યોગ્ય પગલાં લેવા માગ કરવામાં આવી

આ મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવેલી રજૂઆતમાં ફિલ્મની સામગ્રીની નિષ્પક્ષ રીતે સમીક્ષા કરવા અને તબીબી વ્યવસાયની ગરિમાને અસર કરતા દૃશ્યો અંગે યોગ્ય પગલાં લેવા માગ કરવામાં આવી છે. સાથે જ ફિલ્મમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે, જો ફિલ્મના કન્ટેન્ટમાં યોગ્ય સુધારા કરવામાં ન આવે અને તેનાથી તબીબી વ્યવસાયની છબીને નુકસાન થતું હોવાનું જણાય તો જરૂર પડ્યે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવે. ફિલ્મને લઈને તબીબી જગતમાં ઊભા થયેલા આ વિરોધ વચ્ચે હવે સંબંધિત મંત્રાલય અને ફિલ્મ નિર્માતાઓ તરફથી કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Jamnagar Food Checking: જામનગરમાં દિવાળી પૂર્વે મનપાની ફૂડ ચેકિંગ ઝુંબેશ, 11 પેઢીઓને રૂપિયા 60,000નો દંડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.