Jamnagar Food Checking: જામનગરમાં દિવાળી પૂર્વે મનપાની ફૂડ ચેકિંગ ઝુંબેશ, 11 પેઢીઓને રૂપિયા 60,000નો દંડ


Jamnagar Food Checking
Jamnagar Food Checking: જામનગરમાં દિવાળી પૂર્વે મનપાની ફૂડ ચેકિંગ ઝુંબેશ, 11 પેઢીઓને રૂપિયા 60,000નો દંડ


Jamnagar Food Checking
Jamnagar Food Checking: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને ફેરિયાઓ સહિત કુલ 82 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી 11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી કુલ રૂપિયા 60,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
30 કિલો તેલનો પણ નાશ કરાયો
ફૂડ વિભાગની તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય સામગ્રી મળી આવી હતી. જેમાં 229 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, TPCનું પ્રમાણ વધુ જણાતાં 30 કિલો તેલનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત ત્રણ લીટર સુગર સીરપ અને 8 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તહેવાર દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને લોકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ખંભાળિયા બાયપાસ સહિતના વિવિધ ગ્રાઉન્ડ્સ પર યોજાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન પણ ફૂડ વિભાગે ખાદ્ય સ્ટોલ્સની તપાસ કરી હતી. રંગરાત્રી અને રંગતાલીના ફૂડ સ્ટોલ્સ પર ચેકિંગ દરમિયાન અખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
કુલ 58 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કુલ 58 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને વધુ પરીક્ષણ માટે ઢીંચડા ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના પરીક્ષણ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓની માગમાં વધારો થતો હોવાથી મનપાના ફૂડ વિભાગ દ્વારા તપાસ અને દેખરેખની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે ખાદ્ય પદાર્થોના સંગ્રહ, વેચાણ અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.





