Junagadh News: સોની વેપારીને છરી બતાવી રૂપિયા 3.43 લાખના સોનાના દાગીનાની લૂંટ, બે આરોપી ઝડપાયા


Junagadh News
Junagadh News: સોની વેપારીને છરી બતાવી રૂપિયા 3.43 લાખના સોનાના દાગીનાની લૂંટ, બે આરોપી ઝડપાયા


Junagadh News
Junagadh News: જૂનાગઢમાં પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર સોની વેપારી પાસેથી સોનાના દાગીનાની લૂંટની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખ્સે વેપારીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 3.43 લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. બનાવ બાદ ફરાર થયેલા બંને આરોપીઓને A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટમાં વપરાયેલી કાર સહિત લૂંટનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા
મળતી માહિતી અનુસાર, યશ નામનો શખ્સ ગ્રાહક બનીને સોની વેપારીની દુકાને પહોંચ્યો હતો. તેણે દાગીના બતાવવાનું કહેતાં વેપારીએ સોનાના દાગીના બતાવ્યા હતા. દાગીના પસંદ આવ્યા હોવાનું જણાવી યશે પૈસા પોતાની પાર્ક કરેલી કારમાં હોવાનું કહ્યું હતું. ત્યારબાદ વેપારી દાગીનાનું પેકેટ લઈને પૈસા લેવા તેની કાર પાસે પહોંચ્યા હતા. કારમાં પહેલેથી જ અન્ય એક યુવાન હાજર હતો. યશે કારમાં રહેલા થેલામાં પૈસા હોવાનું જણાવી વેપારીને પૈસા લઈ લેવાનું કહ્યું હતું. જોકે, વેપારીએ પૈસા ગણીને લેવાનું કહેતાં બંને શખ્સોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સોનાના દાગીનાનું પેકેટ લૂંટી બંને આરોપીઓ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
યશ સામે રાજકોટમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો
આ ઘટનાને પગલે સોની વેપારી મુજબીર રહેમાન ખલીલ રહેમાન શેખે યશ અને અન્ય એક શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે A ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા લૂંટાયેલા સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પકડાયેલા યશ સામે રાજકોટમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે અન્ય આરોપી સામે પ્રોહિબિશન અને મારામારી સહિતના 10 ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Mehsana News: ખેતરની ઓરડીમાંથી નકલી કોલ સેન્ટર ઝડપાયું, 8 આરોપીઓની ધરપકડ





