Mehsana News: ખેતરની ઓરડીમાંથી નકલી કોલ સેન્ટર ઝડપાયું, 8 આરોપીઓની ધરપકડ

Mehsana News: શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા નકલી કોલ સેન્ટરનો મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
Kunjan ShuklaUpdated on: 24 Oct 2026 03:54 PM IST
Mehsana News: ખેતરની ઓરડીમાંથી નકલી કોલ સેન્ટર ઝડપાયું, 8 આરોપીઓની ધરપકડMehsana News: ખેતરની ઓરડીમાંથી નકલી કોલ સેન્ટર ઝડપાયું, 8 આરોપીઓની ધરપકડ

Mehsana News

Mehsana News: શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા નકલી કોલ સેન્ટરનો મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેસાણા તાલુકાના ઉચરપી ગામની સીમમાં જી.એસ. ફાર્મ પાસે આવેલી ખેતરની ઓરડીમાં ચાલતા આ કૌભાંડમાં પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણથી ચાર આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડ્યો

પોલીસને બાતમી મળી હતી કે ઉચરપી ગામની સીમમાં એક ઓરડીમાં નકલી કોલ સેન્ટર ચલાવી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જેના આધારે સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓ 'શ્યામ સ્ટોક એડવાઈઝર' નામની કંપનીની ઓળખ આપીને લોકોને ફોન કરતા હોવાનું સામે આવ્યું હતું.

1,22,000નો મુદ્દામાલ કબજે કર્યો

આરોપીઓ ગ્રાહકોને 'માર્કેટ પ્લસ' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શેરબજારમાં વધુ કમાણી કરાવવાની ખોટી ટિપ્સ આપતા હતા. ગ્રાહકોનો વિશ્વાસ જીતી પોતાના બેન્ક ખાતામાં નાણાં જમા કરાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ માટે ડમી સિમકાર્ડ અને બોગસ ઓળખપત્રોનો ઉપયોગ થતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી આઇફોન સહિત 13 સ્માર્ટફોન, સાત કી-પેડ મોબાઇલ, નકલી આઈડી કાર્ડ, સિમકાર્ડ કવર સહિત કુલ રૂ. 1,22,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

મહેસાણાના DySP મિલાપ પટેલે જણાવ્યું હતું કે, બાતમીના આધારે કાર્યવાહી કરીને 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ નકલી કંપનીની ઓળખ આપી ફેક એપ્લિકેશન મારફતે લોકો સાથે છેતરપિંડી કરતા હતા. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓ રુત્વીક ઉર્ફે સન્ની, પીન્ટુ ઠાકોર અને સચીન ઉર્ફે નેપાલી સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. પોલીસે નાણાકીય વ્યવહારો અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકો અંગે પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Rajkot News: ઉપલેટામાં LCBનો દરોડો, 2,976 નંગ વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.