Get News Alerts

Never miss breaking news updates.

ખીજડિયા પક્ષી અભયારણ્ય બન્યું બ્લેક-નેક્ડ સ્ટોર્કનું ગુજરાતમાં મહત્વનું પ્રજનન કેન્દ્ર, સંશોધનમાં 100% સફળતા

Black-necked Stork Khijadiya Bird Sanctuary: ગુજરાત વન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનનાં સંશોધકોએ તાજેતરમાં જામનગર જિલ્લામાં આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્ક ((Ephippiorhynchus asiaticus)...
R Gajjar
R GajjarUpdated on: 25 Aug 2026 01:39 PM IST
ખીજડિયા પક્ષી અભયારણ્ય બન્યું બ્લેક-નેક્ડ સ્ટોર્કનું ગુજરાતમાં મહત્વનું પ્રજનન કેન્દ્ર, સંશોધનમાં 100% સફળતાખીજડિયા પક્ષી અભયારણ્ય બન્યું બ્લેક-નેક્ડ સ્ટોર્કનું ગુજરાતમાં મહત્વનું પ્રજનન કેન્દ્ર, સંશોધનમાં 100% સફળતા

Black-necked Stork Khijadiya Bird Sanctuary

Black-necked Stork Khijadiya Bird Sanctuary: ગુજરાત વન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનનાં સંશોધકોએ તાજેતરમાં જામનગર જિલ્લામાં આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્ક ((Ephippiorhynchus asiaticus) પક્ષી વિશે અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ખીડજિયા પક્ષી અભ્યારણ્ય બ્લેક-નેક્ડ સ્ટોર્ક (કાળી ડોક ઢોંક) માટે અત્યંત અનુકૂળ પ્રજનન સ્થળ છે. બ્લેક-નેક્ડ સ્ટોર્ક ભારતનાં સૌથી મોટાં અને વિશિષ્ટ જળપક્ષીઓમાંનું એક છે. વન્યજીવ (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2022 હેઠળ બ્લેક-નેક્ડ સ્ટોર્ક અનુસૂચિ (2) હેઠળ રક્ષિત પક્ષી છે. આ અભ્યાસમાં કાળી ડોક ઢોંક પક્ષીની પ્રજનનની નોંધપાત્ર સફળતા જોવા મળી. નિરીક્ષણ હેઠળનાં ચારેય માળાઓમાંથી બચ્ચાં સફળતાપૂર્વક બહાર આવ્યાં હતાં. અભ્યાસનાં તારણો દર્શાવે છે કે, રામસર સાઇટ તરીકે જાહેર થયેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય કાળી ડોક ઢોક પક્ષી માટે બ્રિડીંગ માટે મહત્વનું સ્થળ છે.

પીઅર-રિવ્યુડ આંતરરાષ્ટ્રીય જર્નલ Journal of Threatened Taxaમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જુલાઈ 2024થી માર્ચ 2025 દરમિયાન ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કની વસ્તીની સ્થિતિ, પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર (બ્રિડીંગ ઇકોલોજી), માળાનાં સ્થળોની લાક્ષણિકતાઓ અને પ્રજનન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સંશોધન ગીર ફાઉન્ડેશનનાં વૈજ્ઞાનિકો સંદીપ મુંજપરા, દિવ્યરાજસિંહ જાડેજા, નિતા સોલંકી, અમિતકુમાર નાયક અને બી.પી. પતી દ્વારા કરવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “ગીર ફાઉન્ડેશનની સમગ્ર સંશોધન ટીમને હું અભિનંદન પાઠવું છું. આ અભ્યાસે બ્લેક-નેક્ડ ઢોંક પક્ષીનાં અદભૂત વર્તન અને પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર પર નવો પ્રકાશ પાડ્યો છે. આ તારણોને આધારે આપણે આ પક્ષીનાં સરંક્ષણ વિશે અસરકારક પગલાં લઇ શકીશુ.” વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવિણ માળી એ જણાવ્યું કે, “મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખીજડિયા પક્ષી અભયારણ્ય સહિત રાજ્યના અમૂલ્ય કુદરતી વારસાના સંરક્ષણ માટે અનેક પગલાં લીધાં છે.”

અભ્યાસમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં પ્રજનન વિશે નવી જાણકારી મળી

બ્લેક-નેક્ડ સ્ટોર્ક તેની ઓછી સંખ્યામાં જોવા મળતા પ્રજનન વસ્તી માટે જાણીતું છે. ગુજરાતમાં ખીજડિયા પક્ષી અભયારણ્ય અને તેની આસપાસનો વિસ્તાર લાંબા સમયથી આ પક્ષી માટે મહત્વપૂર્ણ રહેઠાણ તરીકે ઓળખાય છે. જોકે, તેના પ્રજનન અંગે આપણી પાસે ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે. ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતીએ (IFS) જણાવ્યું કે, “સંશોધકોએ અભયારણ્યનાં આઠ મેનેજમેન્ટ ઝોનમાં ફેલાયેલા 48 જિયોરેફરન્સ્ડ સેમ્પલિંગ પોઈન્ટનો ઉપયોગ કરીને વ્યાપક ક્ષેત્ર સર્વે હાથ ધર્યો હતો. અભ્યાસમાં માળાનું નિરીક્ષણ, વર્તણૂકનું અવલોકન અને તેના રહેઠાણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ દરમિયાન 320 કલાકથી વધુના અવલોકનના આંકડા એકત્રિત કરવામાં આવ્યા.”

બી.પી પતીએ વધુમાં જણાવ્યું કે, “અભ્યાસમાં સૌથી નોંધપાત્ર બાબત એ જાણવા મળી કે, અભ્યાસ હેઠળનાં બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં ચાર સક્રિય માળાઓમાં, દરેક માળામાં એક પ્રજનન જોડી હતી અને દરેક જોડીએ સફળતાપૂર્વક બે બચ્ચાં ઉછેર્યાં હતાં. આમ, ચાર માળાઓમાં કુલ આઠ બચ્ચાં નોંધાયાં હતાં. આ ઉપરાંત, નિયમિત રીતે જોવા મળતાં પાંચ બિન-પ્રજનન પુખ્ત પક્ષીઓ સહિત અભ્યાસના સમયગાળા દરમિયાન અભયારણ્યમાં આ પક્ષીની સંખ્યા 21થી વધુ નોંધાઈ હતી.”

સંશોધનમાં જાણવા મળ્યું કે, બ્લેક-નેક્ડ સ્ટોર્કે ચારેય માળાઓ ગાંડા બાવળનાં વૃક્ષો પર બાંધ્યા હતા. આ માળા જમીનથી ત્રણથી 4.5 મીટરની ઊંચાઈએ હતાં. સામાન્ય રીતે બ્લેક-નેક્ડ સ્ટોર્ક મોટા કદની સ્થાનિક વૃક્ષ પ્રજાતિઓ પર માળા બાંધે છે. જોકે, આ અભ્યાસમાં જાણવા મળ્યું કે. જ્યાં સ્થાનિક માળા બાંધવા યોગ્ય વૃક્ષો ન હોય ત્યાં ગાંડા બાવળ જેવા વૃક્ષો પર પણ માળા બનાવે છે.

બ્લેક-નેક્ડ સ્ટોર્ક માટે ખીજડિયા ખૂબ મહત્વનું સ્થળ બન્યું

અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું કે, “આ સંશોધન બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં રહેઠાણનાં પરિસ્થિતિક મહત્વને પણ વધુ મજબૂત બનાવે છે. બ્લેક-નેક્ડ સ્ટોર્કને જીવવા અને પ્રજનન કરવા માટે માત્ર પાણી પૂરતું નથી. તેના સફળ પ્રજનન માટે યોગ્ય ખોરાક મેળવવાના વિસ્તારો, જળચર શિકાર, માળા બાંધવા યોગ્ય વૃક્ષો, છીછરું પાણી, વનસ્પતિ અને પ્રમાણમાં ઓછા માનવીય વિક્ષેપવાળા વિસ્તારો જરૂરી છે.” ડો. જયપાલ સિંહે ઉમેર્યું કે, “ચારેય માળાના સ્થળોની વિશેષતાઓ—ખાસ કરીને છીછરું પાણી, જળસપાટી ઉપરની વનસ્પતિ, ઊંચા સ્થળો અને ઓછો વિક્ષેપ—આવાસ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સંકેતો આપે છે. આ પરિસ્થિતિઓ જાળવી રાખવી ખીજડિયામાં આ પ્રજાતિની પ્રજનન વસ્તી જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.”

ગીર ફાઉન્ડેશનનાં નાયબ નિયામક અમિતકુમાર નાયકે જણાવ્યું કે, “માળાનાં તમામ સ્થળોમાં કેટલીક સામાન્ય પરિસ્થિતિક વિશેષતાઓ જોવા મળી હતી. તમામ માળા 0.3થી 0.7 મીટરની ઊંડાઈ ધરાવતા છીછરા પાણીવાળા વિસ્તારોની નજીક હતાં અને તેમની આસપાસ ખુલ્લું પાણી, જળસપાટી ઉપરની વનસ્પતિ તથા ઊંચાણવાળો વિસ્તાર હતો. આ પરિસ્થિતિઓ માછલી, ઉભયજીવી, ક્રસ્ટેશિયન અને જળચર અપૃષ્ઠવંશી જીવો સહિત પૂરતા ખોરાક સ્ત્રોતો પૂરા પાડે છે, જે પ્રજનન કરતા પક્ષીઓ અને મોટા થતાં બચ્ચાં માટે આવશ્યક છે.”

સંશોધકોએ નોંધ્યું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ પક્ષીનાં વર્તણૂકમાં ફેરફાર સાથે પ્રજનન પ્રવૃત્તિ શરૂ થાય છે અને ત્યારબાદ ઓક્ટોબરની શરૂઆતમાં માળા બાંધવાની પ્રક્રિયા શરૂ થાય છે. ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆત દરમિયાન ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે જ્યારે ડિસેમ્બર સુધી બચ્ચાંના ઉછેરની સઘન પ્રક્રિયા ચાલુ રહે છે. વર્ષના અંત સુધીમાં બચ્ચાં માળામાંથી બહાર નીકળી જતાં પ્રજનન ચક્ર પૂર્ણ થાય છે.

આ પક્ષી માતા-પિતા તરીકેની મજબૂત જવાબદારી નિભાવે છે

ગીર ફાઉન્ડેશનનાં વૈજ્ઞાનિક અને અભ્યાસના એક લેખક ડૉ. સંદીપ મુંજપરાએ જણાવ્યું કે, “અભ્યાસમાં આ પ્રજાતિ દ્વારા નિભાવવામાં આવતી મજબૂત પિતૃત્વની જવાબદારી જાણવા મળી. આ પક્ષીનાં 89 નિરીક્ષણ અને મુલાકાતો દરમિયાન અમે નોંધ્યું કે, પુખ્ત સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહે છે. ખોરાક મેળવવા માટેની નોંધાયેલી 94 ટકા ઉડાનોમાં એક માતા-પિતા પક્ષીએ માળા પર બીજા પક્ષીનું સ્થાન લીધું હતું. આ બાબત પિતૃ દ્વારા અત્યંત સંકલિત રીતે બચ્ચાંની સંભાળ રાખવામાં આવતી હોવાનું દર્શાવે છે. આવા વર્તનથી ઈંડાં અને બચ્ચાંનું સતત રક્ષણ અને સંભાળ સુનિશ્ચિત થાય છે.”

મહત્વપૂર્ણ બાબત એ છે કે, માળાઓનાં નિરીક્ષણનાં સમયગાળા દરમિયાન સંશોધકોએ માળા ત્યજી દેવાની, શિકારી પ્રાણીઓ દ્વારા હુમલો થવાની અથવા બચ્ચાંના મૃત્યુની એકપણ ઘટના નોંધાઇ નહોતી. ચારેય માળામાંથી બચ્ચાં સફળતાપૂર્વક બહાર આવ્યાં હતાં, જેના પરિણામે 100 ટકા ફ્લેજિંગ સફળતા દર નોંધાયો હતો. અભ્યાસ અનુસાર, આટલી ઊંચી પ્રજનન સફળતા ભારતના અન્ય વિસ્તારોમાં થયેલા અવલોકનોની સરખામણીએ નોંધપાત્ર છે. અહીં માળામાંથી બચ્ચાં સફળતાપૂર્વક બહાર આવવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

માળામાંથી બહાર આવ્યા બાદનાં અવલોકનોમાં જાણવા મળ્યું કે સ્ટોર્કનાં બચ્ચાઓ માળાં છોડ્યા પછી તેમના માતા-પિતા પર નિર્ભર રહેતા હતાં. ખોરાક માટેની અનેક વિનંતીઓ અને માતા-પિતા દ્વારા બચ્ચાં સાથે ખોરાક વહેંચવાની ઘટનાઓ સંશોધકોએ નોંધી હતી. આ બાબત, લાંબા સમય સુધી પિતૃસંભાળ અને સ્વતંત્ર રીતે ખોરાક મેળવવાની ક્ષમતાના ક્રમશઃ વિકાસ તરફ સંકેત કરે છે.

વન વિભાગના સંરક્ષણ પ્રયાસો સફળ થઈ રહ્યા છે

અભયારણ્યમાં પ્રમાણમાં સ્થિર જળ પરિસ્થિતિ. વિપુલ પ્રમાણમાં શિકાર અને ખોરાકની ઉપલબ્ધતા અને માનવીય વિક્ષેપનું ઓછું પ્રમાણ આ પ્રજનન સફળતામાં મહત્વપૂર્ણ પરિબળો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા સરંક્ષણનાં પગલાઓને કારણે અનેક પ્રજાતીનાં પક્ષીઓ અહીં સુખેથી રહે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]