Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં RSS કાર્યાલયથી મંત્રીઓને તેડું, 2027ની ચૂંટણી પહેલાં સરકાર-સંગઠનનું મંથન

RSS Gujarat Government Coordination Meeting: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), ભાજપ સંગઠન અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન વધારવા માટે અમદાવાદમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે....
R Gajjar
R GajjarUpdated on: 25 Aug 2026 12:57 PM IST
ગુજરાતમાં RSS કાર્યાલયથી મંત્રીઓને તેડું, 2027ની ચૂંટણી પહેલાં સરકાર-સંગઠનનું મંથનગુજરાતમાં RSS કાર્યાલયથી મંત્રીઓને તેડું, 2027ની ચૂંટણી પહેલાં સરકાર-સંગઠનનું મંથન

RSS Gujarat Government Coordination Meeting

RSS Gujarat Government Coordination Meeting: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), ભાજપ સંગઠન અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન વધારવા માટે અમદાવાદમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. મણિનગર સ્થિત RSS કાર્યાલય ખાતે શરૂ થયેલી બે દિવસીય સમન્વય બેઠકમાં સરકાર, સંગઠન અને સંઘ સાથે જોડાયેલી ભગિની સંસ્થાઓના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે.

RSSના સહ-મહામંત્રી અરુણ કુમારની અધ્યક્ષતામાં બેઠક

મળતી માહિતી મુજબ RSSના રાષ્ટ્રીય સહ-સર કાર્યવાહ અરુણ કુમારની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના આગેવાનો બેઠકમાં હાજર છે. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. મંત્રી જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રમણ સોલંકી, કમલેશ પટેલ સહિતના મંત્રીઓ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. બપોર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સમન્વય બેઠકમાં જોડાય તેવી માહિતી છે.

2027ની ચૂંટણી પહેલાં જમીની સ્થિતિ પર મંથન

આ બેઠકનું મહત્વ આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને કારણે વધુ વધી ગયું છે. બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય અને સામાજિક સ્થિતિ ઉપરાંત જમીની સ્તરે સરકાર અને સંગઠનની સ્થિતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને ખેડૂતો, યુવાનો સહિતના વર્ગોના પ્રશ્નો, સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી કેટલો પહોંચી રહ્યો છે અને લોકોમાં સરકાર તથા સંગઠન પ્રત્યેનો પ્રતિસાદ કેવો છે તે અંગે સંઘની ભગિની સંસ્થાઓ પાસેથી ફીડબેક મેળવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

સરકાર-સંગઠન વચ્ચે વધુ સારા સંકલન પર ભાર

બેઠકમાં રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે પણ ચર્ચા થઈ રહી છે. સરકારના નિર્ણયો અને યોજનાઓનો જમીની સ્તરે વધુ અસરકારક અમલ થાય તેમજ સંગઠન અને સરકાર વચ્ચે વધુ સારો સંવાદ જળવાઈ રહે તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આગામી સમયના પ્રાથમિક વિકાસ પ્રોજેક્ટ્સ, જનસંપર્ક વધારવા અને લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણી અંગે પણ ચર્ચા

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને રાજ્યમાં યોજાનારી ઉજવણી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. આ પ્રસંગે વિકાસલક્ષી કાર્યક્રમો, લોકભાગીદારીના કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણીની રૂપરેખા નક્કી કરવા અંગે વિચારણા થઈ શકે છે.

બે દિવસ ચાલશે બેઠક

અમદાવાદના મણિનગર ખાતે યોજાઈ રહેલી આ બેઠક બે દિવસ સુધી ચાલશે. સરકાર, RSS, ભાજપ સંગઠન અને સંઘ સાથે જોડાયેલી સંસ્થાઓ વચ્ચે વધુ અસરકારક સંકલન સ્થાપિત કરવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં આગામી સમયની કામગીરીની દિશા નક્કી થઈ શકે છે. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં યોજાઈ રહેલી આ સમન્વય બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને સરકારની કામગીરી, સંગઠનની સ્થિતિ અને જમીની સ્તરે લોકોના પ્રશ્નો અંગે મળનારા ફીડબેક પર સૌની નજર છે.

સંઘના પ્રાંત કાર્યવાહક શૈલેશ પટેલે જણાવ્યું કે દર વર્ષે યોજાતી નિયમિત બેઠકના ભાગરૂપે આ સમૂહ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આર્થિક અને આરોગ્ય સમૂહની બેઠક યોજાઈ હતી, જેમાં સંઘના આગેવાનો, ભાજપના નેતાઓ અને વિવિધ ભગિની સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, ભારતીય કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. શૈલેશ પટેલે જણાવ્યું કે બેઠકમાં કોઈ વિશેષ એજન્ડા નથી, પરંતુ કાર્યકરો સાથે સંવાદ અને સંગઠનના ઉદ્દેશ્યોને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવા અંગે મંથન કરવામાં આવ્યું હતું. બપોર બાદ વૈચારિક અને શિક્ષણ સમૂહની બેઠક યોજાશે, જ્યારે આવતીકાલે બપોર બાદ સુરક્ષા સમૂહની બેઠક મળશે. બે દિવસ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત સંઘ અને તેની સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]