Jamnagar Diwali Shopping : દિવાળીના તહેવાર વચ્ચે જામનગરની બજારોમાં મંદીનો માહોલ, બર્ધન ચોકમાં ગ્રાહકોની પાંખી હાજરીથી વેપારીઓ ચિંતિત

Jamnagar Diwali Shopping : જામનગરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારોમાં જોઈએ તેવી રોનક જોવા મળી રહી નથી.
Vivek Shah
Vivek ShahUpdated on: 02 Nov 2026 12:24 PM IST
Jamnagar Diwali Shopping : દિવાળીના તહેવાર વચ્ચે જામનગરની બજારોમાં મંદીનો માહોલ, બર્ધન ચોકમાં ગ્રાહકોની પાંખી હાજરીથી વેપારીઓ ચિંતિતJamnagar Diwali Shopping : દિવાળીના તહેવાર વચ્ચે જામનગરની બજારોમાં મંદીનો માહોલ, બર્ધન ચોકમાં ગ્રાહકોની પાંખી હાજરીથી વેપારીઓ ચિંતિત

Jamnagar Diwali Shopping જામનગરમાં દિવાળી શોપિંગ

Jamnagar Diwali Shopping : સામાન્ય રીતે દિવાળીના પખવાડિયા અગાઉથી જ ધમધમતી રહેતી શહેરની બજારોમાં આ વખતે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના લોકોની ખરીદી માટે જાણીતા બર્ધન ચોક વિસ્તારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે.

દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન જામનગરની બજારોમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. કપડાં, ઘરવખરી, શણગારની વસ્તુઓ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો બજારોમાં ઉમટી પડતા હોય છે. જોકે, આ વર્ષે પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. દિવાળીના પખવાડિયા અગાઉ પણ બજારોમાં ગણ્યાગાંઠિયા ગ્રાહકો જ નજરે પડી રહ્યા છે.

જામનગરમાં દિવાળીનો વેપાર મંદી અને મોંઘવારીની ઝપેટમાં

બજારમાં મંદી પાછળ વરસાદ ખેંચાવા અને જિલ્લામાં સર્જાયેલી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિને મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહી છે. વરસાદની અનિયમિતતા અને ખેતી પર પડેલી અસરને કારણે ખેડૂતો સહિત અનેક લોકો આર્થિક સંકડામણમાં મુકાયા છે. તેની સીધી અસર તહેવારોની ખરીદી પર જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ, મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ પણ ખોરવાયું છે. આવક મર્યાદિત હોવા છતાં માલસામાનના ભાવમાં વધારો થતાં લોકો જરૂરી વસ્તુઓની ખરીદી સુધી જ પોતાની ખરીદી મર્યાદિત રાખી રહ્યા છે. પરિણામે દિવાળીના તહેવાર દરમિયાન બજારમાં થતી વધારાની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જામનગરમાં દિવાળીના દિવસોમાં પણ ઘરાકીનો અભાવ

વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે વ્યાજબી ભાવે માલસામાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં ગ્રાહકોમાં ખરીદીનો ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. અગાઉ દિવાળીના દિવસોમાં બજારમાં ગ્રાહકોની સતત અવરજવર રહેતી હતી, જ્યારે આ વખતે દુકાનોમાં ઘરાકી ઓછી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળી વેપારીઓ માટે વર્ષનો મહત્ત્વનો વેપારી સમયગાળો ગણાય છે. આ સમય દરમિયાન થતી ખરીદીથી વેપારીઓને સારો વ્યવસાય થવાની આશા રહેતી હોય છે.

પરંતુ આ વર્ષે મંદીના માહોલને કારણે તેમની આશાઓ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. આમ, વરસાદની ખેંચ, ખેડૂતોની આર્થિક મુશ્કેલી, મોંઘવારી અને મર્યાદિત આવકની અસર જામનગરની દિવાળી ખરીદી પર જોવા મળી રહી છે. હવે તહેવારના અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી વધે છે કે નહીં તેના પર વેપારીઓની નજર ટકેલી છે.

આ પણ વાંચો : Ahmedabad Airport ના પીકઅપ પોઇન્ટ પાસે પડ્યો ભુવો, રસ્તો બેસી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં, તંત્રની કામગીરી સામે સવાલો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે