Codeine Medicines: દવાઓના ગેરકાયદે વેચાણ સામે તંત્રની લાલ આંખ, ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત



Codeine Medicines
Codeine Medicines: દવાઓના ગેરકાયદે વેચાણ સામે તંત્રની લાલ આંખ, ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત



Codeine Medicines
Codeine Medicines: ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અપાયેલી કડક સૂચનાના પગલે 1 સપ્ટેમ્બર 2026ના રોજ વિવિધ જિલ્લાઓમાં હોલસેલ અને રિટેલ દવા વેપારીઓની સઘન તપાસ કરવામાં આવી હતી.
બાલાજી ફાર્મામાંથી ₹83 લાખનો જથ્થો મળ્યો
અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર વિસ્તારમાં આવેલી બાલાજી ફાર્માની તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની 37,762 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ ₹220ની MRP મુજબ આ જથ્થાની અંદાજિત કિંમત ₹83,07,640 થાય છે. વધુ વેચાણ કે ઉપયોગ ન થાય તે માટે સમગ્ર જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. નિયમ મુજબ પૃથ્થકરણ માટે સિરપનો નમૂનો પણ લેવામાં આવ્યો છે. પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડમાં મુખ્યત્વે કોડીનયુક્ત દવાઓનો વેપાર થતો હોવાનું જણાતા કારણદર્શક નોટિસ પાઠવાઈ છે.
હેલ્થ પોઇન્ટ ફાર્માનો પરવાનો રદ
કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્મા સામે 31 ઓગસ્ટે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં મળેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.
અન્ય પેઢીઓ સામે પણ કાર્યવાહી
ચાંગોદરની ફાર્માલિન લાઇફસાયન્સિસ, સાંતેજની રેઇન રેમેડીઝ, વિસનગરની કેપિટલ ફાર્મા અને અમદાવાદ-1ની HRDM ગ્લોબલ સોલ્યુશન્સ સામે તપાસમાં જણાયેલી ક્ષતિઓ અંગે નોટિસ આપવામાં આવી છે. જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી R Tuss TD Syrupની 57 બોટલ, કુલ ₹9,006ની કિંમતનો જથ્થો મળી આવતા તેને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. કઠવાડાની કૃષ્ણા ફાર્માને નોટિસ પાઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ અને ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર માર્ગે થાય તે માટે રાજ્યભરમાં તપાસ અને દેખરેખ ચાલુ રહેશે. સમગ્ર મામલે ખરીદ-વેચાણના બીલો, રેકોર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી હજુ ચાલુ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં રિક્ષાચાલક યુનિયનની હડતાલ વચ્ચે 13 લોકો ડિટેન, પોલીસની કડક કાર્યવાહી




