Gandhinagar News: ઈ-સરકાર પોર્ટલ પર પેન્ડન્સી મુદ્દે સચિવાલયના કર્મચારીઓમાં રોષ, 7 દિવસનું આપ્યું અલ્ટીમેટમ

Gandhinagar News: ગુજરાત સચિવાલય ફેડરેશન અને સંલગ્ન એસોસિએશનો ઈ-સરકાર પોર્ટલ પર ફાઈલોની પેન્ડન્સી ગણવાની વર્તમાન પદ્ધતિ સામે મેદાનમાં ઉતર્યાં છે.
Kunjan ShuklaUpdated on: 29 Oct 2026 03:09 PM IST
Gandhinagar News: ઈ-સરકાર પોર્ટલ પર પેન્ડન્સી મુદ્દે સચિવાલયના કર્મચારીઓમાં રોષ, 7 દિવસનું આપ્યું અલ્ટીમેટમGandhinagar News: ઈ-સરકાર પોર્ટલ પર પેન્ડન્સી મુદ્દે સચિવાલયના કર્મચારીઓમાં રોષ, 7 દિવસનું આપ્યું અલ્ટીમેટમ

Gandhinagar News

Gandhinagar News: ગુજરાત સચિવાલય ફેડરેશન અને સંલગ્ન એસોસિએશનો ઈ-સરકાર પોર્ટલ પર ફાઈલોની પેન્ડન્સી ગણવાની વર્તમાન પદ્ધતિ સામે મેદાનમાં ઉતર્યાં છે. ફાઈલોની પેન્ડન્સી માટે નક્કી કરવામાં આવેલી 7 દિવસની સમયમર્યાદા સામે વિરોધ નોંધાવી કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ વિવિધ માગણીઓ રજૂ કરી છે. માગણીઓનો 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો સચિવાલયના કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

સામાન્ય અને જટિલ ફાઈલો માટે એકસમાન સમયમર્યાદા નક્કી કરવામાં ન આવે

કર્મચારી સંગઠનોની મુખ્ય માગ છે કે સામાન્ય અને જટિલ ફાઈલો માટે એકસમાન સમયમર્યાદા નક્કી કરવામાં ન આવે. ફાઈલોની પેન્ડન્સીની ગણતરી કેલેન્ડર દિવસોના બદલે વાસ્તવિક કામકાજના દિવસોના આધારે કરવામાં આવે અને જાહેર રજાઓને ગણતરીમાંથી બાદ કરવામાં આવે. કર્મચારીઓનું મૂલ્યાંકન માત્ર ફાઈલ કેટલા દિવસથી પેન્ડિંગ છે તેના આધારે નહીં, પરંતુ કામગીરીની ગુણવત્તા અને ફાઈલની જટિલતાને ધ્યાનમાં રાખીને થવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.

સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું

સંગઠનોએ એવી પણ માગ કરી છે કે કર્મચારીના નિયંત્રણ બહારના કારણોસર ફાઈલ પેન્ડિંગ રહે તો તેની વ્યક્તિગત જવાબદારી નક્કી ન કરવામાં આવે. અન્ય સરકારી વિભાગોના અભિપ્રાયની રાહ જોવી પડતી હોય અથવા કર્મચારી મંજૂર રજા પર હોય તેવા સંજોગોમાં પેન્ડન્સી માટે કર્મચારીને જવાબદાર ગણવો નહીં. આ ઉપરાંત, અધિકારીની બદલી થયા બાદ અગાઉના અધિકારીની પેન્ડિંગ ફાઈલો નવા અધિકારીના નામે ગણવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ નાયબ સેક્શન અધિકારીઓ સામે લેવાયેલા પગલાં અને બદલી તથા સસ્પેન્શનના હુકમો રદ કરવાની પણ માગ કરી છે.

આ મામલે સંગઠનોએ સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સમયમર્યાદામાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો સચિવાલયના કર્મચારીઓ આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. હવે સરકાર આ રજૂઆતો અંગે શું નિર્ણય લે છે તેના પર કર્મચારીઓની નજર છે. ઈ-સરકાર પોર્ટલની પેન્ડન્સી ગણતરીમાં સુધારા અંગેનો નિર્ણય આગામી દિવસોમાં મહત્ત્વનો બની શકે છે.

આ પણ વાંચો: Bhuj News: પ્રાંત કચેરીમાં કોર્ટના આદેશથી ઝપ્તીની કાર્યવાહી, કમ્પ્યુટર-ટેબલ સહિતનો સામાન જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.