Gujarat Electricity Demand: ગુજરાતમાં વીજળીની માગમાં 36.6%નો વધારો, CM ભૂપેન્દ્ર પટેલે ઊર્જા વિભાગ સાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક


Gujarat Electricity Demand
Gujarat Electricity Demand: ગુજરાતમાં વીજળીની માગમાં 36.6%નો વધારો, CM ભૂપેન્દ્ર પટેલે ઊર્જા વિભાગ સાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક


Gujarat Electricity Demand
Gujarat Electricity Demand: ગુજરાતમાં વીજળીની વધતી માગ અને પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઊર્જા વિભાગ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વીજળીની ઉપલબ્ધતા, કોલસાના પુરવઠા, સોલાર ઊર્જાના મહત્તમ ઉપયોગ અને ભવિષ્યની વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટેના આયોજનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માગ નોંધાઈ
બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિત ઊર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઊર્જા વિભાગના પ્રેઝન્ટેશન અનુસાર, 16 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માગ નોંધાઈ હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં નોંધાયેલી 21,822 મેગાવોટની માગની સરખામણીએ આ વખતે 36.6 ટકાનો વધારો થયો છે. આ જ દિવસે રાજ્યનો દૈનિક વીજ વપરાશ 574 મિલિયન યુનિટ રહ્યો હતો, જે અગાઉના વર્ષના 457 મિલિયન યુનિટ કરતાં આશરે 27 ટકા વધુ છે.
માર્ચ 2027 સુધીમાં 500 મેગાવોટ ક્ષમતા કાર્યરત કરવાનું આયોજન
વીજળીની વધતી માગને પહોંચી વળવા કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી દરરોજ 10થી 11 રેલવે રેક અને ત્યારબાદ દરરોજ 13થી 14 રેક કોલસો પૂરો પાડવાની ખાતરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા અને સાંજના પીક અવર્સમાં વીજળીની ઉપલબ્ધતા જાળવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અંતર્ગત માર્ચ 2027 સુધીમાં 500 મેગાવોટ ક્ષમતા કાર્યરત કરવાનું આયોજન છે. ઉપરાંત, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 2031-32 સુધીમાં કેન્દ્ર પાસેથી વધુ 5,000 મેગાવોટથી વધુ વીજળીની ફાળવણી મેળવવા રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે ઊર્જા વિભાગને જરૂરી કામગીરી ઝડપી બનાવવા અને લાંબા ગાળાનું સુદૃઢ આયોજન કરવા સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો: Sabarkantha News: તલોદ GIDCમાં ટાયર બનાવતી ખાનગી કંપનીમાં ભીષણ આગ, ત્રણ ફાયર વિભાગે હાથ ધરી કામગીરી





