Gujarat BJP News: ગુજરાતમાં ભાજપનું 'ભીડતંત્ર હટાવો, લોકતંત્ર બચાવો' અભિયાન, 25મીએ સુરતથી પદયાત્રાનો પ્રારંભ

Gujarat BJP News: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘ભીડતંત્ર હટાવો, લોકતંત્ર બચાવો’ અભિયાન હાથ ધરવામાં આવશે.
Kunjan ShuklaUpdated on: 24 Oct 2026 02:46 PM IST
Gujarat BJP News: ગુજરાતમાં ભાજપનું 'ભીડતંત્ર હટાવો, લોકતંત્ર બચાવો' અભિયાન, 25મીએ સુરતથી પદયાત્રાનો પ્રારંભGujarat BJP News: ગુજરાતમાં ભાજપનું 'ભીડતંત્ર હટાવો, લોકતંત્ર બચાવો' અભિયાન, 25મીએ સુરતથી પદયાત્રાનો પ્રારંભ

Gujarat BJP News

Gujarat BJP News: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘ભીડતંત્ર હટાવો, લોકતંત્ર બચાવો’ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગે પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે ગાંધીનગર ખાતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, દેશમાં વિપક્ષ દ્વારા અરાજકતાની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અભિયાનના માધ્યમથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કામગીરી તથા તેમના નિવેદનોને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકો માટે વિવિધ કામગીરી કરી

ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકો માટે વિવિધ કામગીરી કરી છે. બીજી તરફ, રાહુલ ગાંધી અને વિપક્ષ પર તેમણે દેશની સર્વોપરિતા કરતાં પોતાના સંકુચિત હિતોને પ્રાધાન્ય આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં ‘લીડર ઓફ ઓપોઝિશન નહીં, પરંતુ લાયર ઓફ ઓપોઝિશન’ હોવાની ટીકા પણ કરી હતી.

અનિલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, લોકતંત્ર અને ભીડતંત્ર વચ્ચેનો તફાવત લોકો સુધી પહોંચાડવા માટે રાજ્યભરમાં પદયાત્રા અને યુવા સંસદનું આયોજન કરવામાં આવશે. 24થી 28 ઓક્ટોબર દરમિયાન આ અભિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા આગળ વધારવામાં આવશે. યુવા સંસદમાં કલમ 370, કટોકટી, ઘૂસણખોરોનો મુદ્દો અને લોકતંત્રના રક્ષણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

સુરતથી પદયાત્રાનો પ્રારંભ

આયોજન મુજબ, 25 ઓક્ટોબરે સાંજે સુરતના અડાજણથી પદયાત્રાનો પ્રારંભ થશે. તેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિતના આગેવાનો જોડાશે. 26 ઓક્ટોબરે અમદાવાદના વાડજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદયાત્રાનો પ્રારંભ કરાવશે. 27 ઓક્ટોબરે રાજકોટના રેડક્રોસ મેદાન ખાતે જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાશે. જ્યારે 28 ઓક્ટોબરે વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પદયાત્રામાં ભાગ લેશે.

અનિલ પટેલે કોંગ્રેસના શાસન દરમિયાન ભાજપની રાજ્ય સરકારોને ઉથલાવવાના પ્રયાસો થયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભાજપના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો હેતુ લોકશાહીના મૂલ્યો અંગે જાગૃતિ લાવવાનો અને યુવાનોને લોકતંત્રની ચર્ચામાં જોડવાનો છે.

આ પણ વાંચો: Gujarat Healthcare Projects : ગુજરાતમાં ₹500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પો, અમદાવાદમાં 521 બેડના ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.