Gujarat Healthcare Projects : ગુજરાતમાં ₹500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પો, અમદાવાદમાં 521 બેડના ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

Gujarat Healthcare Projects : ગુજરાતમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને નાગરિકોને આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ₹500 કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 24 Oct 2026 02:37 PM IST
Gujarat Healthcare Projects : ગુજરાતમાં ₹500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પો, અમદાવાદમાં 521 બેડના ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્તGujarat Healthcare Projects : ગુજરાતમાં ₹500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પો, અમદાવાદમાં 521 બેડના ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

Gujarat Healthcare Projects

Gujarat Healthcare Projects : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓ માટે વિવિધ વિકાસકાર્યોની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટના અભિગમથી આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. તેમણે આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને સંવેદનાસભર બનાવવા પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ₹223 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર’નું ખાતમુહૂર્ત રહ્યું હતું. આ કેન્દ્ર 521 પથારીની ક્ષમતા સાથે વિકસાવવામાં આવશે. અહીં મગજ, કરોડરજ્જુ અને નસોને લગતી જટિલ બીમારીઓ માટે અદ્યતન સારવાર અને સંશોધનની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ

આ પ્રકલ્પમાં 58,831 ચોરસ મીટર બિલ્ટ-અપ વિસ્તાર, 13 આધુનિક ઓપરેશન થિયેટર, જનરલ વોર્ડ, ICU, સ્પેશિયલ અને સેમી-સ્પેશિયલ બેડ તથા ટ્રાયેજ બેડની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી વિભાગ, ઇમરજન્સી રેડિયોલોજી, અત્યાધુનિક પ્રયોગશાળા, બ્લડ બેંક અને ન્યુરો-રિહેબિલિટેશન સેન્ટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

આ કેન્દ્ર શરૂ થયા બાદ સ્ટ્રોક, બ્રેઇન ટ્યુમર, અકસ્માતને કારણે થતી ન્યુરોલોજિકલ ઇજાઓ અને કરોડરજ્જુ સંબંધિત જટિલ બીમારીઓની સારવાર માટે ગુજરાત સહિત આસપાસનાં રાજ્યોના દર્દીઓને લાભ મળવાની અપેક્ષા છે.

₹500 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો શરૂ

આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં ₹185 કરોડના ખર્ચે તૈયાર થયેલી 255 આરોગ્ય સુવિધાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે ₹347 કરોડના ખર્ચે 45 નવી આરોગ્યલક્ષી કામગીરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમણે આરોગ્ય કર્મચારીઓ, ડૉક્ટરો અને આશા વર્કરોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ તબીબો અને આરોગ્ય કર્મચારીઓને દર્દીઓની સારવારની સાથે તેમને માનસિક સહારો અને વિશ્વાસ આપવાની અપીલ કરી હતી.

રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને અને નાગરિકોને સમયસર સારવાર મળે તે દિશામાં આ પ્રકલ્પો મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે. આયોજનનો મુખ્ય હેતુ: નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત સારવાર, આધુનિક તબીબી સુવિધાઓ અને સમયસર નિદાન ઉપલબ્ધ કરાવવાનો છે.

આ પણ વાંચો : Ambalal Patel Weather News : ગુજરાતમાં અલનીનોની અસરથી શિયાળામાં ગરમી વધવાની શક્યતા? વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે