Gandhinagar Ravana Dahan: 65 ફૂટ ઊંચા રાવણ સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, 20,000થી વધુ નાગરિકો રહ્યા હાજર


Gandhinagar Ravana Dahan
Gandhinagar Ravana Dahan: 65 ફૂટ ઊંચા રાવણ સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, 20,000થી વધુ નાગરિકો રહ્યા હાજર


Gandhinagar Ravana Dahan
Gandhinagar Ravana Dahan: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રાવણદહન અને રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતાં સમગ્ર મેદાન ઉત્સવના રંગે રંગાયું હતું.
65 ફૂટ ઊંચા રાવણના પૂતળા સાથે મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું દહન કરાયું
ધારાસભ્ય રીટાબેન પટેલની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં 65 ફૂટ ઊંચા રાવણના પૂતળા સાથે મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું પણ દહન કરવામાં આવ્યું હતું. રાવણદહન શરૂ થતાં જ મેદાન ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઊઠ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહભેર આ ઐતિહાસિક ક્ષણ નિહાળી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભવ્ય રામલીલા અને રંગબેરંગી આતશબાજી રહી હતી. રામાયણના પ્રસંગોનું નાટ્યાત્મક પ્રસ્તુતિકરણ કરવામાં આવતા દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. રાવણદહન સમયે આકાશમાં થયેલી ભવ્ય આતશબાજીએ સમગ્ર વાતાવરણને વધુ આકર્ષક બનાવ્યું હતું.
બાળકો અને વડીલોએ પણ કાર્યક્રમનો આનંદ માણ્યો
પરિવારજનો સાથે આવેલા બાળકો અને વડીલોએ પણ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, આકાશમાં ઉડતા પ્રતિકાત્મક હનુમાનજી બાળકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હનુમાનજીના આ પ્રતિકાત્મક પ્રદર્શનને નિહાળવા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક આસ્થા, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સહાય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં નાગરિકોની હાજરીએ વિજયાદશમીના ઉત્સવને વિશેષ બનાવ્યો હતો. રાવણદહન દ્વારા સમાજને સત્ય, ધર્મ અને સદાચારના માર્ગે ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad : અમદાવાદમાં વિજયાદશમીએ રાવણ દહન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત





